બધા ફળોમાં કેળા એક એવું ફળ છે, જે આપણને દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે. કેળા સ્વાદિષ્ટ હોવાની સાથે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક ગણવામાં આવે છે, કારણ કે કેળામાં ભરપૂર પોષક તત્વો મળી આવે છે. આ પોષક તત્વો આપણે અનેક રોગોથી બચાવવામાં કારગર સાબિત થાય છે.
હવે તો જયારે આપણે દવાખાને જઈએ છીએ ત્યારે પણ ડૉક્ટરો પણ કેળા ખાવાની સલાહ આપે છે. કારણ કે તેમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર અને ગ્લુકોઝ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેળા પેટની બિમારીઓ, આંતરડાના ચેપ, શરીરની નબળાઈ, વજન, હૃદયરોગ, હાડકા અને મોઢાના ચાંદાને મટાડવાનો રામબાણ ઉપાય છે.
કેળા બીજા ફળોની તુલનામાં વધુ પૌષ્ટિક છે. આ ઉપરાંત તેને ઉર્જાનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. દરરોજ એક કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશર, હૃદયની તંદુરસ્તી અને રોગપ્રતિકારક સશક્તિ પણ સારી રહે છે. તો આવો જાણીએ કે કઈ બીમારીઓમાં કેળા ખાવા આપણા માટે ફાયદાકારક સાબિત થાય છે.
શરીરની નબળાઈ દૂર કરે: કેળામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જેનાથી આપણું પેટ ઝડપથી ભરાય છે. તેથી દરરોજ કેળાનું સેવન કરવાથી શરીરમાં નબળાઈ આવતી નથી. સાથે જ જો તમે કામ કરીને થાકી ગયા હોય તો એક કેળું ખાવાથી તમારા શરીરમાં એનર્જી આવી જાય છે અને નબળાઈ કે આળસ દૂર થાય છે.
વજનને કંટ્રોલ કરે : જો તમે વજન ઉતારવા ઘણા પ્રયત્નો કરી રહ્યા હોય તો કેળા તમને એનર્જી આપવાની સાથે વજનને કંટ્રોલ કરવા ઉપયોગી સાબિત થઇ શકે છે. નિષ્ણાતોના મતે સવારે ખાલી પેટ ગરમ હૂંફાળા પાણી સાથે કેળાનું સેવન કરવાથી ધીમે-ધીમે વજન નિયંત્રણમાં રહે છે.
હૃદયરોગઃ કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે. તેથી દરરોજ કેળાનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. તમને જણાવીએ કે શરીરમાં પોટેશિયમનું ઓછું સ્તર હાઈ બ્લડ પ્રેશર વધારી શકે છે અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. આ સ્થિતિમાં કેળા હાઈ બ્લડ પ્રેશર ઘટાડી શકે છે.
હાડકાંને મજબૂત કરે છે: તમને જણાવીએ કે કેળામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે તે આપણા હાડકાં માટે ફાયદાકારક છે. તમને જણાવીએ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવે છે. જો તમે દરરોજ એક કેળું ખાઓ છો તો તમને ઘડપણમાં હાડકાની સમસ્યાથી બચી શકો છો.
મોઢામાં ચાંદા મટાડે: જો તમે મોઢામાં ચાંદાથી પરેશાન છો તો સવારે કેળા ખાઓ. કારણકે ક્યારેક પેટ ખરાબ થવાને કારણે મોઢામાં ચાંદા પડે છે. જો તમે ચાંદાને દૂર કરવા અને પેટને સ્વસ્થ રાખવા માંગો છો તો સવારે ખાલી પેટ કેળાનું સેવન કરો. ફાઈબરથી ભરપૂર કેળું કબજિયાતમાં રાહત આપે છે અને ચાંદાની સમસ્યાને દૂર કરે છે.