દિવાળીના હવે થોડા જ દિવસો બાકી છે અને આ તહેવાર પર મહિલાઓ ઘણી તૈયારીઓ કરે છે. ઘરની સજાવટની સાથે તે પોતાની જાતને પણ તૈયાર કરે છે. મહિલાઓ નવા કપડા, જ્વેલરીની સાથે સાથે પોતાનો ચહેરો ચમકતો રહે તે માટે ઘણા ઉપાયો કરતી હોય છે.
જો તમે પણ ચહેરાને ચમકાવવા માંગતા હોય અને પાર્લરમાં ન જઈને સમય અને પૈસા બચાવવા માંગતા હોવ. તો ઘરે જ સ્ક્રબ બનાવીને તમારા ચહેરાને ચમકાવી શકો છો. આનાથી ચહેરાની ડેડ સ્કિન તો સાફ થશે જ પરંતુ ચહેરાની ત્વચા પણ નરમ અને કોમળ બનશે.
આ સાથે જ તમારો ચહેરો કેમિકલ ઉત્પાદનોથી થતા નુકસાનથી પણ બચી જશે. તો ચાલો જાણીએ કે તમે ઘરે જ કઈ કઈ વસ્તુઓ ઉપયોગ કરીને સ્ક્રબ બનાવી શકો છો.
કોફી સાથે સ્ક્રબ બનાવો :અડધો કપ કોફી, એક ચમચી મધ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. લગભગ 10 મિનિટ સુધી મસાજ કર્યા પછી, ચહેરાને પાણીથી સાફ કરો. કોફી એક મહાન સ્ક્રબ છે. જેની મદદથી તમે ચહેરા અને શરીર બંનેની મૃત ત્વચાને સાફ કરી શકો છો.
ઓટમીલ સ્ક્રબ : ઓટમીલ સ્ક્રબ પણ સારું સ્ક્રબ છે. આ બનાવવા માટે કેળાને મેશ કરો. પછી તેમાં ઓટમીલ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે સુકાવા દો. પછી હળવા હાથે મસાજ કરો અને 10 મિનિટ માટે છોડી દો. પાણીથી ચહેરો સાફ કરો.
આ સ્ક્રબનો ઉપયોગ કરવાથી ચહેરાના મૃત કોષો દૂર થાય છે. જેના કારણે ચહેરો ચમકવા લાગે છે અને ત્વચાનો અસલી રંગ દેખાવા લાગે છે. જો તમે ઈચ્છો છો કે ચહેરા પર ગ્લો જળવાઈ રહે તો અઠવાડિયામાં બે વાર સ્ક્રબનો ઉપયોગ કરો. જેના કારણે ચહેરા પરના ડાઘ પણ ધીરે ધીરે ઓછા થવા લાગે છે. તેમજ ત્વચા કોમળ બને છે.
તુલસી ફેસ માસ્ક: તુલસીનો ઉપયોગ લાંબા સમયથી ઔષધિ તરીકે કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં, સ્ત્રીઓ ત્વચાની સંભાળ માટે ઘરે જ તુલસી ફેસ માસ્કનો ઉપયોગ કરતી હતી. ચહેરા પરના ખીલ અને ડાઘ દૂર કરવા માટે તુલસીના પાનને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવતી હતી.
આ સિવાય પહેલાની સ્ત્રીઓ ત્વચાને સુંદર અને ચમકદાર બનાવવા માટે તુલસીના પાનનો રસ દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવતી હતી. આનાથી ચહેરા પર ચમક આવી જતી હતી. આથી ગ્લોઈંગ સ્કિન માટે તમે તુલસી ફેસ માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો.
લોટનો સ્ક્રબ : ઘઉંના લોટમાં દહીં અને હળદર મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો . આ પેસ્ટને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. તેનાથી ચહેરાના મૃત કોષો પણ દૂર થાય છે.