હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને થોડાજ દિવસોમાં ગરમીનો અહેસાસ થવા લાગશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમારા શરીરને સ્વાસ્થ્ય રાખવું ખુબજ મુશ્કેલ બની જાય છે. ઉનાળામાં દિવસ દરમિયાન સૂરજનો તાપ ખુબજ વધુ હોય છે જે દરેક ઘરની બહાર નીકળતા દરેક લોકોની સમસ્યામાં વધારો કરે છે.
ઉનાળાની ગરમીમાં શરીરમાં ઘણી બધી સમસ્યાઓમાં વધારો થવા લાગશે આથી બધી બીમારીઓથી દૂર રહેવા માટે તમારે તમારી ખાવાની શૈલી બદલવાની જરૂર છે. બધા લોકો જાણતા હશે કે ઉનાળામાં ડિહાઈડ્રેશન, ત્વચાની સંવેદનશીલતા અને વિટામિન્સ જેવા મિનરલ્સની ઉણપ જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે.
આ બધી સમસ્યાથી દૂર રહેવા માટે તમારે તમારા આહારમાં રસદાર ફળો, શાકભાજી અને દહીં જેવા તંદુરસ્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તો તો આજની માહિતિમાં અમે તમને જણાવીએ છીએ કે કઈ વસ્તુઓ ખાવાથી તમે ઉનાળામાં પણ ફિટ રહી શકો છો.
તરબૂચ: તરબૂચ ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં બજારમાં જોવા મળે છે. તરબૂચને ઉનાળાનું શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. તરબૂચ તમારા પેટને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખે છે. તરબૂચમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને ભરેલું રાખે છે. તરબૂચમાં લાઇકોપીન પણ હોય છે, જે ત્વચાના કોષોને સૂર્યના નુકસાનથી પણ બચાવે છે.
નારંગી: નારંગી માં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે. નારંગીને ઉનાળાના ખોરાકમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નારંગીમાં રહેલા પોટેશિયમ પોષાકતત્વને કારણે તે ઉનાળામાં ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે નારંગીમાં લગભગ 80 ટકા જેટલું પાણી હોય છે અને તે સ્નાયુઓની ખેંચાણથી રાહત આપે છે.
લીંબુ-ફૂદીનાનું પાણી: ઉનાળાની ગરમીમાં ખુબજ વધુ તરસ લાગે છે. થોડા સમય પછી પાણી પીવાની જરૂર પડે છે આ સાથે ગળું સુકાઈ જવું એ પણ સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં લીંબુના રસ સાથે ફિલ્ટર કરેલું ફુદીનાનું 1 ગ્લાસ પાણી અજાયબીનું કામ કરે છે. આ પાણી લીવરને સાફ કરે છે અને તમારા મેટાબોલિઝમને પણ મજબૂત બનાવે છે.
દહીં : દહીં પ્રોટીનથી ભરપૂર હોય છે. તે તમારી પાચનક્રિયાને યોગ્ય રાખે છે. ઉનાળામાં દહીંનો સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણો ફાયદોથાય છે. દહીંમાં રહેલું પ્રોટીન તમારી ભૂખને દૂર રાખે છે, જેનાથી તમે ખારા અને વધુ કેલરીવાળા નાસ્તા ખાવાથી પોતાને રોકી શકો છો. દહીંમાં રહેલાં પ્રોબાયોટીક્સ, તમારી પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ બેક્ટેરિયા પણ પ્રદાન કરે છે.
ટામેટાં: તમે જાણતાજ હશો કે ટામેટાંમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશો કે તેમાં લાઇકોપીન જેવા ફાયદાકારક ફાયટોકેમિકલ્સ પણ હોય છે, જે ક્રોનિક રોગો, ખાસ કરીને કેન્સરને મટાડવામાં મદદ કરે છે. તમે ટામેટાને કાચું પણ ખાઈ શકો છો.