બીજી ઋતુ કરતા શિયાળામાં વાળની સમસ્યા વધુ જોવા મળે છે કારણ કે આ ઋતુમાં ઠંડા પવનોને કારણે માથાની ચામડીની ભેજ ખોવાઈ જાય છે. જેના કારણે વાળના મૂળ નબળા પડી જાય છે. આવી સ્થિતિમાં ડેન્ડ્રફ, વાળ ખરવા વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ સિઝનમાં વાળ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દરેક લોકો જુદા જુદા પ્રયોગ કરતા હોય છે પરંતુ તમે કુદરતી ઉપાયો અપનાવી શકો છો. પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાવવાથી વાળ મજબૂત થાય છે. તો આવો જાણીએ, શિયાળામાં વાળના વિકાસ માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવી શકાય.
લીંબુ નો ઉપયોગ કરો: લીંબુ વાળના વિકાસ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. લીંબુ કેલ્શિયમ, વિટામિન-સી, આયર્ન અને ઘણા ફાયદાકારક તત્વોથી ભરપૂર છે. તમે વાળ ધોવા માટે લીંબુનો ઉપયોગ કરી શકો છો. 2 થી 3 લીંબુ નિચોવીને તેનો રસ કાઢીને પાણીમાં ઉમેરો. શેમ્પૂ કર્યા પછી આ પાણીથી વાળ ધોઈ લો. આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકો છો, જેનાથી વાળ સ્વસ્થ થશે.
નાળિયેર તેલ અને મેથી: એક બાઉલમાં એક મુઠ્ઠીભર મેથીને રાતભર પલાળી રાખો. બીજા દિવસે સવારે આ મેથીની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં 2 -3 ચમચી નારિયેળ તેલ ઉમેરો. ત્યારબાદ આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
આ હેર માસ્કને માથાની ચામડી અને વાળ પર લગાવો. તેને 25 મિનિટ માટે રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 1-2 વાર આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો
લીમડાનું તેલ અને લીંબુનો રસ : સૌથી પહેલા એક વાટકીમાં 2 થી 3 ચમચી લીમડાનું તેલ લો. તેમાં લીંબુનો રસ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણને માથાની ચામડી પર લગાવો અને થોડીવાર વાળમાં માલિશ કરો. તેને વાળમાં 20 થી 35 મિનિટ સુધી રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 1-2 વાર આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.
અળસીનો ઉપયોગ કરો: અળસીનું પાણી વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન-ઈ જોવા મળે છે, જે વાળના વિકાસમાં મદદરૂપ છે. આ માટે અળસીને 1 વાટકી પાણીમાં પલાળી રાખો અને તેને 6 થી 7 કલાક માટે રાખો. હવે આ પાણીને વાળમાં લગાવો. થોડા સમય પછી સાદા પાણીથી વાળ ધોઈ લો. આનાથી તમે ડેન્ડ્રફથી છુટકારો મેળવી શકો છો.
ચોખાના પાણીથી વાળ ધોઈ લો: ચોખાનું પાણી શિયાળામાં વાળને સ્વસ્થ રાખવામાં કારગર સાબિત થઈ શકે છે. આ માટે ચોખાને પાણીમાં પલાળીને આખી રાત રાખો. તમે સવારે આ પાણીથી તમારા વાળ ધોઈ શકો છો. જેના કારણે સ્કેલ્પ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.
ઓલિવ તેલ અને દહીં: એક મોટી વાટકીમાં અડધો કપ દહીં લો અને તેમાં 1 થી 2 ચમચી ઓલિવ ઓઈલ ઉમેરો. થોડા સમય માટે આનાથી માથાની ચામડીની માલિશ હળવા હાથે કરો. આ પછી તમારા વાળને ઢીલા બનમાં બાંધો અને શાવર કેપ પહેરો. તેને 20 થી 35 મિનિટ સુધી રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 1-2 વાર આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.