વરસાદની ઋતુ આવે ત્યારે તેની સાથે અનેક રોગો લઈને આવે છે. આ સીઝનમાં ઉધરસ, કફ, તાવ અને શરદી થવી સામાન્ય છે. આ સિવાય આ ઋતુમાં ઘણા પ્રકારના ચેપ પણ થાય છે. આપણે જોઈએ છીએ કે કેટલાક લોકોને વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ જેવા ગંભીર રોગો પણ થાય છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે બદલાતા હવામાનને કારણે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા માં ઘટાડો થાય છે. આ જ કારણ છે કે આ ઋતુમાં વાયરલ રોગો આપણને જલ્દી પોતાની ઝપેટમાં લઈ લે છે. ચોમાસાની ઋતુમાં હવામાનના થતા અવારનવાર બદલાવને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. જેના કારણે તમને એલર્જી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આવી સ્થિતિમાં વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટોનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ અને શરીર મજબૂત બને છે. બદલાતા મોસમમાં વાયરલ, તાવ, શરદી અને ફ્લૂ જેવા રોગો ક્યારેય તમારી આસપાસ ન આવી શકે, માટે અહીંયા આહારમાં જણાવેલ આ મોસમી ફળનો સમાવેશ ચોક્કસપણે કરો.
દાડમ : દાડમ ચોમાસાની ઋતુમાં તમારા શરીરને શરદી, ફ્લૂ, વગેરે જેવા ઘણાં ચેપથી બચાવવામાં મદદ કરે છે, કારણ કે દાડમમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. દાડમમાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ ચોમાસામાં સંક્રમણ સામે લડે છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે દાડમ પાચન તંત્ર અને પેટના કેન્સર કોશિકાના સોજોને ઘટાડે છે. દાડમ ફળનો અર્ક કેન્સરના કોષને ફેલાવતા અટકાવવામાં મદદરૂપ થાય છે.
જાંબુ : રીંગણી રંગના જાંબુ શુગર લેવલ અને ડાયાબિટીસ ને ઘટાડવામાં રામબાણ અસર દેખાડે છે. તમને જણાવીએ કે જાંબુમાં કેલેરી ઓછી હોય છે અને તેમાં આયર્ન, ફોલેટ, પોટેશિયમ અને વિટામિન ભરપૂર હોય છે. આથી જ તેનો ઉપયોગ વિવિધ ગેસ્ટ્રિક બીમારીની સારવાર માટે પણ થાય છે. ડાયાબીટીસની સમસ્યામાં જાંબુ એક ઉત્તમ ઉપાય સાબિત થાય છે.
નાશપતી : ચોમાસાની ઋતુમાં ચેપ સામે લડવા માટે ભરપૂર પ્રમાણમાં વિટામિનની જરૂર હોય છે. આ સીઝન દરમિયાન વાતાવરણમાં વધુ ભેજ હોય છે, જેના કારણે બીમાર થવાની સંભાવના વધારે રહે છે. માટે નાશપતી તે ફળોમાંથી એક ફળ છે જેને ચોમાસામાં ખાવાની જરૂરીયાત હોય છે.
ચોમાસા દરમિયાન તમારું શરીર ચેપ અને પાણીજન્ય રોગોની ઝપેટમાં ખુબજ ઝડપી આવી જાય છે, જે તમારા સ્વાસ્થ્યને ભારે અસર કરી શકે છે. માટે શરીર ફિટ રહેવું જરૂરી છે. જો તમે બીમાર પડવા નથી માંગતા તો આ ચોમાસામાં આ ફળ ખાવાનું રાખો.
ચેરી : ચેરી ચોમાસાના ફળમાંથી એક છે, જે તમને ખૂબ જ આરામથી બજારમાં મળી જશે. તેમાં મેલાટોનિન એક એન્ટી ઓકસીડેન્ટ હોય છે, જે તમારા શરીરની કોશિકાઓને ફ્રી-રેડિકલથી થતા નુકસાનથી રોકે છે. આ ફળ મગજના ન્યુરોન્સને શાંત કરે છે, જેના કારણે મગજને આરામ મળે છે.
આ સિવાય ચેરી હાર્ટના રોગો સામે લડવામાં મદદ કરે છે કારણ કે તેમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું હોવાની સાથે કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. ચેરી હાઈબ્લડ પ્રેશરનું સ્તર અને યુરિક એસિડનું સ્તર ઘટાડે છે.