આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

જેને જમ્યા પછી ખાટા ઓડકાર, એસીડિટી કે ગેસની તકલીફ થતી હોય, જમવાનું બરાબર પચતું ન હોય કે અપૂરતા પાચનને કારણે ઓછું જમવા હોવા છતાં વજન વધતું જતું હોય એવા લોકો માટે રસોડામાંથી જ મળી રહેતી વસ્તુનો ઉપયોગ કરીને કફ, વાત અને પિત્તની બધી ફરિયાદો મટાડે તેવા એકદમ આસાન અને દરેકને માફક આવે એવા ઘરેલૂ ઉપાય વિશે આ માહિતીમાં તમને જણાવીશું.

ઘણા લોકો વધારે તેલવાળું કે મસાલા વારુ જમ્યા પછી, પેટમાં અપચો એસિડિટી, ખાટા ઓડકાર આવવાની તકલીફ શરૂ થઇ જાય છે. આ ઉપરાંત જે લોકોની પાચનશક્તિ નબળી છે એવા લોકોને સાદું પૌષ્ટિક ભોજન જમ્યા પછી પણ પાચનને લગતી તકલીફ થાય છે જેવી કે પેટમાં દુખાવો, કબજિયાત, ગેસ વગેરે.

જેને કફ પ્રકૃતિ છે તેને જમ્યા પછી કફ, ઉધરસ અને શરદી માં વધારો થાય છે. આ બધી તકલીફોને મટાડી, પાચન વ્યવસ્થિત કરવા અને કફ, પિત્ત અને વાયુ ને શરીરમાં સમાન રાખે એવી ત્રણ વસ્તુઓનો ઉપયોગ આપણે ઘરના રસોડામાંથી લઈને કરવાનો છે.

સૌથી પહેલી વસ્તુ છે જીરું. દાળ શાકમાં જે જીરાનો ઉપયોગ કરીએ છીએ તે જીરું લઇ તેને અધકચરું શેકી લેવાનું છે. જો જીરાને વધારે પડતું શેકસો તો તેમાંથી ગુણકારી તેલ બાષ્પીભવન થઇ જશે અને તેના ગુણમાં ઘટાડો થશે.

માટે જીરાની સુગંધ આવવા માંડે એટલું જ જીરાને શેકવું. જીરું એસીડીટી મટાડે છે. આ સાથે તે કફની તકલીફ પણ ઉપયોગી છે. જેને શરદી, કફની સાથે ઉધરસની તકલીફ રહેતી હોય એના માટે જીરું શ્રેષ્ટ છે.

બીજી વસ્તુ છે અજમો. અજમાને પણ શેકીને લેવાનો છે. અજમો શરીરમાંથી આવતી કોઈપણ જાતની દુર્ગંધને દૂર કરે છે, પછી તે પરસેવાની દુર્ગંધ હોય, શ્વાસની દુર્ગંધ હોય. જમ્યા પછી જેને ગેસ ની તકલીફ ને કારણે પેટ ફુલાઈ જતું હોય કે વાયુના કારણે સાંધા જકડાઈ જતા હોય એના માટે પણ અજમો ઘણો ઉપયોગી છે.

ત્રીજી વસ્તુ છે વરીયાળી. વરીયાળી ને પણ બિલકુલ આછી શેકી લેવી. વરીયાળી ને વધુ લાલ શેકી લેવાથી તેની સુગંધ અને ગુણ ઘટી જાય છે. માટે થોડીવાર શેકીને તેને ઠંડી કરી લેવી. વરીયાળી તાસીરમાં ઠંડી છે એટલે શરીરની આંતરિક ગરમી મટાડે છે, સાથે એસિડિટીમાં ઘણો ફાયદો કરે છે.

કબજિયાતની તકલીફ વાળા લોકોએ વરિયાળીનું સેવન જરૂર કરવું, તેનાથી કબજીયાતમાં સારી રાહત મળે છે. હવે જીરું અજમો અને વરિયાળી ત્રણેયને સરખા ભાગે લઇ, મિક્સ કરીને કાચની એર ટાઈટ બરણી અથવા ડબ્બામાં ભરી લેવું. જમીને મુખવાસ તરીકે આ એક ચમચી મિશ્રણનું ચાવીને ખાઈ જવું.

આ મુખવાસ ખાવાથી પાચનને લગતી લગભગ બધી જ ફરિયાદો મટી જાય છે. મુખવાસ ખાવાથી બે થી ત્રણ દિવસમાં જ તેનો ફાયદો જોવા મળે છે. કફ, વાયુ અને પિત્ત દરેક પ્રકૃતિના લોકો માટે આ મુખવાસ અનુકૂળ છે. આ મુખવાસ શરીરની વધારાની ખોરાકનું બરાબર રીતે પાચન કરીને શરીરની વધારાની ચરબીને ઘટાડે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *