લાંબા, જાડા અને મજબૂત વાળ દરેક લોકોની ઈચ્છા હોય છે, પરંતુ તેવા વાળ મેળવવા એટલા સરળ નથી. વાળની ગુણવત્તા મોટાભાગે આપણા આહાર, આરોગ્ય અને સંભાળ પર આધારિત છે. પરંતુ યોગ્ય અને નિયમિત સંભાળથી વાળની ગુણવત્તા સુધારી શકાય છે. તો તેના માટે અહીં આપેલ ઉપાય ખૂબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ.
1. ઓલિવ તેલ : ઓલિવ ઓઇલમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ સિવાય, અન્ય ઘણા જરૂરી પોષક તત્વો હાજર છે, જે સ્વાસ્થ્યની સાથે-સાથે વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેને માથાની ચામડી પર લગાવવાથી વાળ મજબૂત અને ઘટ્ટ બને છે.
આ રીતે ઉપયોગ કરો : સૌથી પહેલા ઓલિવ તેલને થોડું ગરમ કરો. ત્યારબાદ આ તેલથી માથાની ચામડી પર હળવા હાથે માલિશ કરો. પછી તેને 30-45 મિનિટ સુધી રાખો. પછી શેમ્પૂથી ધોઈ લો.
2. ઈંડું : ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે વાળને જાડા અને મજબૂત બનાવે છે. આ રીતે ઉપયોગ કરો : વાળની લંબાઈ પ્રમાણે એક કે બે ઈંડાને હલાવી દો. ત્યારબાદ તેને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી માથાની ચામડી પર લગાવી રાખો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.
બીજી રીત : એક બાઉલમાં એક કે બે ઈંડા તોડીને નાખો. તેમાં ઓલિવ તેલ અને બે ચમચી પાણી ઉમેરો. હવે આ મિશ્રણને માથાની ચામડી અને વાળની લંબાઈ પર લગાવો. વાળને 15-20 મિનિટ સુધી રાખ્યા બાદ ધોઈ લો. ત્યાર બાદ વાળને સામાન્ય પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ કરો.
3. નારંગી પ્યુરી : નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે વાળને મજબૂત, જાડા અને ચમકદાર બનાવે છે. આ રીતે ઉપયોગ કરો : વાળની લંબાઈ પ્રમાણે 1 કે 2 નારંગી લો અને તેને મિક્સરમાં પીસીને પ્યુરી બનાવો. લગભગ એક કલાક સુધી તેને વાળમાં રાખો અને પછી ધોઈ લો.
4. એલોવેરા જેલ : એલોવેરા જેલ સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે પણ અત્યંત ફાયદાકારક છે. આ રીતે ઉપયોગ કરો : એલોવેરાના પાનમાંથી તેની જેલ કાઢીને માથાની ચામડી પર લગાવો. વાળ હળવા સુકાઈ જાય પછી ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત બે થી ત્રણ મહિના સુધી ઉપયોગ કરો અને પછી વાળની ગુણવત્તા જુઓ.