ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તેને ડાયટમાં સામેલ કરો છો તો તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. ખજૂરમાં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ અને ઘણા વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર માટે ફાયદાકારક છે. તો આવો જાણીએ ખજૂર ખાવાથી શું ફાયદા થાય છે?
ખજૂર શરીરમાં લોહીની ઉણપને દૂર કરી શકે છે. જો તમે એનિમિયાના શિકાર છો, તો તમે ખજૂરનું સેવન કરી શકો છો. તેમાં આયર્ન અને વિટામિન-એ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે.
ખજૂર હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેમાં પોટેશિયમ અને અન્ય પોષક તત્વો મળી આવે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. ખજૂરમાં કેલ્શિયમ, કોપર, મેંગેનીઝ અને અન્ય પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી આવે છે. તેઓ તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
જે લોકોને કબજિયાતની સમસ્યા હોય અથવા વારંવાર કબજિયાતની સમસ્યા રહેતી હોય તેઓ ખજૂરનું સેવન કરી શકે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન શક્તિને મજબૂત બનાવે છે. રોજ રાતે સૂતી વખતે 4 થી 5 પેશી ખજૂર ધોઈ ઠળિયા કાઢી એમાં થોડુંક ગાયનું ઘી ભરીને ચાવી-ચાવીને ખાવાથી સવારે કબજિયાતની સમસ્યા રહેતી નથી.
જો તમારે ખજૂર ખાવી ન હોય તો બપોરે પલાળી રાખેલી ખજૂરની પેશીઓને મસળીને એનું પાણી પી જવું. એનાથી મળને આગળ ધકેલવામાં મદદ થાય છે.
ખજૂરમાં સુગર , પ્રોટીન અને ઘણા જરૂરી વિટામિન હોય છે. જો તમારે વજન વધારવું હોય તો ખજૂરનું સેવન કરી શકો છો. ખજૂરમાં વિટામિન-બી અને કોલીન મળી આવે છે, જે યાદશક્તિ વધારે છે. યાદશક્તિ વધારવા માટે તમે તેને ડાયટમાં સામેલ કરી શકો છો.
હેલ્થ એક્સપર્ટના મતે ખજૂર ખાવાથી એલર્જીની સમસ્યા દૂર કરી શકાય છે. ત્વચા અને વાળ માટે પણ ખજૂર ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી ત્વચા અને વાળની ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે.