ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. જ્યારે ઉનાળો શરૂ થાય છે, ત્યારે આ દિવસોમાં તમારે તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે ચહેરાની પૂરતી કાળજી લેવી જરૂરી બની જાય છે. જો તમે વર્કિંગ વુમન છો તો તમારી પાસે ઘરેથી બહાર નીકળવા ઉપરાંત કોઇ વિકલ્પ હોતો નથી અને ઘરની બહાર નીકળવું એટલે તડકો, ધૂળ અને ગરમીનો સામનો કરવો.

પ્રદૂષણ અને સૂર્યના કિરણો તમારી ત્વચાની સખત પરીક્ષા લેવા માટે તૈયાર હોય છે અને તમે આ પરિસ્થિતિઓનો તો સામનો નથી કરી શકતા, તેથી તમારી ત્વચાની વધારે સંભાળની જરૂર હોય છે. આ માહિતમાં તમને ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને ચમકદાર બનાવવા માટે કેટલીક ટિપ્સ વિષે જણાવીશું , જે ટિપ્સ અનુસરીને તમે ચહેરાની બધી સમસ્યાઓને દૂર કરી ચહેરાને ચમકદાર બનાવી શકો છો.

ટામેટાં: શાકભાજી માં ઉપયોગ લેવાતા લાલ ટામેટા ચહેરાની ચમક પાછી લાવવામાં મદદ કરી શકે છે. આ માટે એક ટમેટો લો અને તેનો રસ કાઢીને ચહેરા પર લગાવો અને મસાજ કરો. ટામેટાનો રસ ચહેરા પરથી સુકાઈ જાય ત્યાર બાદ પાણીથી ચહેરો ધોઈ લો. આ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત કરો. તેનાથી ચહેરો સ્વચ્છ અને ચમકદાર બનશે.

દહી : દહીં ખાવાના સ્વાદના વધારા સાથે ત્વચા માટે પણ લાભદાયી છે. દહીનો ઉપયોગ કરીને ત્વચા પર જમા થયેલી ગંદકીને દૂર કરી શકાય છે. ચહેરા પર દહીંનો લેપ લગાવવાથી ચહેરાની ડેડ સ્કિન દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે.

આ માટે દહીં હાથમાં લઇ તેની ચહેરા પર 10 થી 15 મિનિટ મસાજ કરો. થોડા સમય માટે તેને ચહેરા પર રહેવા દો, ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ ઉપાય કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઇ ચહેરા ચમકવા લાગશે.

પપૈયું: પપૈયું માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ સારું છે. તેને ઓટમીલ અને કાચા દૂધ સાથે મેશ કરો અને ચહેરા પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય, ત્યારે ચહેરાને હળવા હાથથી સાફ કરો. જો તમે આ બે વસ્તુઓને મિક્સ કરવા નથી માંગતા તો પપૈયાને ચહેરા પર મેશ કરો અને તેને આ રીતે લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને હળવા હાથે મસાજ કરીને ચહેરાને પાણીથી ધોઈ લો. થોડા દિવસો સુધી આમ કરવાથી તમને ફરક દેખાશે.

ચણા: ત્વચાને ચમકાવવા અને ત્વચામાં નિખાર લાવવા માટે ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. ચણાના લોટમાં થોડું દહીં ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. થોડીવાર પછી પાણીથી ચહેરો ધોઈ લો. આવું અઠવાડિયામાં બે વાર કરો. તેનાથી તમારા ચહેરાની ત્વચા સાફ થઈ જશે.

એલોવેરા: જો તમે તમારી ત્વચાની નેચરલ રીતે સંભાળ રાખવા માંગતા હોવ તો એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપાય માટે તમે ઘરે રહેલા એલોવેરા છોડની જેલ અથવા તો બજારમાંથી એલોવેરા જેલની ટ્યુબ ખરીદી શકો છો. તમે એલોવેરા જેલ ને ત્વચા પર કોઈ પણ સમયે લગાવી શકો છો. રાત્રે સુતા પહેલા તમારા ચહેરાને સાફ કરીને પછી ચહેરા પર એલોવેરા જેલ લગાવવી.

નારિયલ તેલ: ચહેરા પરની ગંદકીને સાફ કરવા તમે નારિયલ તેલનો ઉપયોગ કરી શકો છો. નારિયલ તેલનો ઉપયોગ તમે સ્કિનને સાફ કરવાની સાથે મેકઅપ ને દૂર કરી શકો છો. આનાથી ચહેરાને નુકશાન પણ નહીં થાય અને ચહેરો ચમકી ઉઠશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *