ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને ગરમીનો અહેસાસ પણ બધાને થવા લાગ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ પડકારરૂપ બની જાય છે. આ પડકાર સામે લડવા માટે આ સિઝનમાં મળતા ઘણા ખૂબ જ પૌષ્ટિક ફળો અને શાકભાજી આરોગ્યપ્રદ માનવામાં આવે છે.

આ સિઝનમાં મળી આવતા મોટાભાગના ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને આપણને ગરમીના ખરાબ પ્રભાવોથી બચાવે છે. આ ઉપરાંત આ ફળો અને શાકભાજી ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

આ ઋતુમાં ભરપૂર માત્રામાં જોવા મળતું તરબૂચ આપણા માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તરબૂચનો ઉપયોગ ઘણા બધા અભ્યાસોમાં અનેક દ્રષ્ટિકોણથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યો છે.

તરબૂચ આપણા માટે માત્ર સ્વાદની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં લગભગ 92 ટકા જેટલું પાણી હોય છે. તે ઓછી કેલરી અને ફાઈબર, વિટામીન A અને C, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જે આપણા શરીરને રોજિંદા ધોરણે જરૂરી છે. ચાલો જાણીએ તરબૂચ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે.

હૃદય માટે ફાયદાકરાક: તરબૂચમાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે જે હૃદય માટે ફાયદાકારક છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ છે. હૃદય રોગ વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. ઘણા અભ્યાસો પ્રમાણે તરબૂચ આ રોગોને રોકવામાં અસરકારક છે. તરબૂચમાં લાઇકોપીન નામનું રાસાયણિક સંયોજન જોવા મળે છે જે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.

તે ઉચ્ચ કોલેસ્ટ્રોલને કારણે થતા ઓક્સિડેટીવ નુકસાનને રોકવામાં પણ અસરકારક સાબિત થઇ શકે છે. તરબૂચમાં સિટ્રુલિન, એક એમિનો એસિડ પણ હોય છે જે તમારા શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડનું સ્તર વધારે છે. નાઈટ્રિક ઑકસાઈડ રક્ત વાહિનીઓના વિસ્તરણ અને તેમને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે, જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

પાચનમાં મદદ કરે છે: તરબૂચમાં ભરપૂર માત્રામાં પાણી અને ફાઈબર હોય છે, જે બંને આપણા સ્વસ્થ પાચન માટે જરૂરી છે. ફાઇબર આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જ્યારે પાણી પાચન તંત્ર દ્વારા કચરાને વધુ અસરકારક રીતે દૂર મદદ કરે છે.

ઘણા અભ્યાસો પ્રમાણે પુખ્ત વયના લોકોમાં, જે લોકોએ ઓછી માત્રામાં પ્રવાહી અને ફાઈબરનું સેવન કરે છે તેઓને કબજિયાત થવાની સંભાવના વધુ છે. ઉનાળામાં પાચનની સમસ્યા કુદરતી રીતે વધી જતી હોવાથી તરબૂચનું નિયમિત સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આંખો માટે ફાયદાકારક: તરબૂચમાં જોવા મળતું સંયોજન, લાઇકોપીન, તમારી આંખો માટે ફાયદાકારક હોઈ શકે છે. ઘણા લોકોને ઉંમર સાથે વય-સંબંધિત મેક્યુલર ડિજનરેશન નું જોખમ વધી જાય છે. તે એક સામાન્ય આંખની સમસ્યા છે જે વૃદ્ધ લોકોમાં અંધત્વનું કારણ બની શકે છે.

લાઇકોપીનમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે વય-સંબંધિત મેક્યુલર ડિજનરેશનને રોકવામાં મદદ કરી શકે છે. આ સિવાય આંખોના કોષોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં પણ લાઈકોપીન ખૂબ જ ફાયદાકારક છે. આ રીતે, તરબૂચનું સેવન તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *