ચોમાસાની સીઝન શરુ થઇ ગઈ છે અને આ સીઝનમાં સૌથી વધુ ખવાતું ફળ જાંબુ છે. વરસાદના પાણીથી પાકેલું જાંબુ ખાવામાં આવે તો ખુબજ વધુ ફાયદો થાય છે. જાંબુ જો વરસાદના પાણીથી પાકેલું હોય તો તેનો સ્વાદ અલગ જ આવે છે.
શહેરમાં રહેતા લોકો જાંબુ જેવા ઘણા એવા ફળ છે જેનું સેવન કરવાનું ટાળતા હોય છે. શહેરમાં રહેતા લોકો આવા નાના નાના ફળ પર ઓછું ધ્યાન આપતા હોય છે જયારે ગામડામાં આવા ફળો મફતમાં મળતા હોય છે જેથી ગામડાના લોકો તેનું ભરપૂર માત્રામાં સેવન કરીને ફાયદા મેળવતા હોય છે.
જાંબુ એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ફ્લેવોનોઈડ્સનો ભરપૂર સ્ત્રોત છે. આ તમામ પોષક તત્વો શરીરને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદરૂપ થાય છે. જાંબુ ખાવાથી શરીરમાં થયેલી ઘણી બીમારીઓમાં ફાયદો થાય છે.
જાંબુ હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ: ઘણા અભ્યાસ દર્શાવે છે કે જાંબુ વિટામિન-સી અને આયર્નથી ભરપૂર છે, તેથી તેનું સેવન હિમોગ્લોબિન વધારવામાં અને લોહીને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે.
તમને જણાવીએ કે રક્ત દ્વારા અંગો સુધી ઓક્સિજન પહોંચાડવામાં હિમોગ્લોબિન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ફળમાં હાજર આયર્ન તમારા લોહીને પણ શુદ્ધ કરે છે. આયર્નની ઉણપ અથવા એનિમિયા ધરાવતા લોકો માટે જાંબુનું સેવન ખાસ કરીને ફાયદાકારક છે.
જાંબુ ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક: જાંબુમાં મળતા પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટો ટાઇપ-2 ડાયાબિટીસની જટિલતાને ઘટાડવા અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
જાંબુ માં લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (25) છે, જે બ્લડ સુગર લેવલને સામાન્ય રાખવામાં મદદરૂપ છે. કેટલાક સંશોધનો દર્શાવે છે કે જે લોકો નિયમિતપણે જાંબુ ના ફળ અથવા બીજનું સેવન કરે છે તેમનામાં બ્લડ સુગરનું સ્તર સામાન્ય રહે છે.
જાંબુ હૃદયરોગ માટે ફાયદાકારક: જાંબુ ખાવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે. હૃદયરોગ એ વિશ્વભરમાં મૃત્યુ માટેના વધતા જોખમી પરિબળોમાંનું એક છે, આ જોખમને ઘટાડવા માટે જાંબુ નું સેવન પણ વિશેષ ફાયદાકારક હોઈ શકે છે.
જાંબુ માં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો છે. 100 ગ્રામ જાંબુ માં લગભગ 55 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. આ ફળનું સેવન હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવી બીમારીઓને દૂર રાખવામાં ફાયદાકારક છે.
જાંબુ પાચન જાળવે છે : જાંબુ યોગ્ય રીતે ખાવાથી પાચન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જાંબુ માં વિટામીન A અને C ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ડિટોક્સિફાય કરવામાં અને પાચન સંબંધી વિકૃતિઓને દૂર કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.
પેટનું ફૂલવું, કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓને ઓછી કરવા માટે આ ફળનો આહારમાં સમાવેશ કરવો જરૂરી છે. જો તમે પણ જાંબુ ખાતા નથી તો ચોક્કસ ચોમાસાની સીઝનમાં જાંબુ ખાવાનું શરુ કરી દો.