શિયાળાની ઋતુમાં ગાજરનું ભરપૂર સેવન કરવામાં આવે છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. તે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. તમે તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં ગાજરનો સમાવેશ કરી શકો છો.
ગાજર વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. ગ્લોઈંગ સ્કિન માટે તમે ગાજરના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. તો આવો જાણીએ કે ઘરે ગાજરનો ફેસ પેક કેવી રીતે બનાવી ઉપયોગ કરી શકાય છે.
મુલતાની માટી અને ગાજર : જો તમે ચહેરાના ખીલથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ પેકનો ઉપયોગ ચોક્કસ કરો. આ ફેસપેક માટે 1 ચમચી મુલતાની માટીમાં ગાજરનો રસ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણને ચહેરા પર લગાવો, 10 થી 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં એક થી બે વાર કરી શકાય છે.
મધ અને ગાજર પેક : જો તમારી ત્વચા શુષ્ક છે, તો તમે આ ફેસ પેકથી રાહત મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા ગાજરને છીણી લો, તેમાં એક ચમચી મધ અને કાચું દૂધ ઉમેરો. ત્યારબાદ આ મિશ્રણને સારી રીતે ફેટી લો. હવે આ પેકને ચહેરા પર લગાવો, 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
ચોખા અને ગાજરનો ફેસ પેક : આ ફેસપેક બનાવવા માટે પહેલા ચોખાને પીસી લો, હવે તેમાં છીણેલું ગાજર ઉમેરો. આ મિશ્રણમાં કાચું દૂધ ઉમેરો અને તેની પેસ્ટ બનાવો. જો તમે ઈચ્છો તો તેમાં એક ચપટી હળદર પણ ઉમેરી શકો છો. હવે તેને ચહેરા પર લગાવો, 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ પેક કરચલીઓથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે.
દહીં અને ગાજર : આ ફેસપેક માટે બે ચમચી દહીંમાં ગાજરનો રસ મિક્સ કરો. આ મિશ્રણમાં ઈંડાનો સફેદ ભાગ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે પેસ્ટને ચહેરા પર લગાવો, 10 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એકવાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.
જો તમે અહીંયા જણાવેલ ફેસપેકમાંથી કોઈ એક ફેસપેકનો ઉપયોગ કરશો તો તમને ચોક્કસ તમારા ચહેરા ફર્ક જોવા મળશે. આવી જ માહિતી વાંચવા અમારી સાથે જોડાયેલા રહો.