ઉનાળાની ગરમીમાંથી છુટકાળો મેળવીને હવે આપણે ચોમાસાના વરસાદી મોસમમાં આવી ગયા છે. તો સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં પાણી વરસતું જોઈને દરેકનું દિલ ખુશ થઈ જાય. પરંતુ વરસાદી મોસમમાં, વરસાદ સાથે અનેક રોગો લાવે છે.
હવામાનમાં અચાનક પલટો આવવાને કારણે લોકોને નાની મોટી સમસ્યાઓ જેવી કે શરદી, ખાંસી , તાવ જેવી સમસ્યાઓ થવા લાગે છે. એટલે કે આ ઋતુનો આનંદ માણવાની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખુબજ જરૂરી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ ચોમાસામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે છે.
ચોમાસામાં રોગો કેમ વધે છે? તમે ઘણી વાર વિચાર્યું હશે કે વરસાદની સિઝન આવતા જ લોકો બીમાર કેમ થવા લાગે છે? શું તે હવામાનમાં અચાનક ફેરફારને કારણે છે અથવા રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાને કારણે રોગો વધે છે?
ખાસ કરીને ડેન્ગ્યુ-મેલેરિયા જેવા રોગો ચોમાસામાં સામાન્ય બની ગયા છે. હકીકતમાં, વરસાદની મોસમમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જાય છે અને તે જ સમયે ભેજ તેની ટોચ પર હોય છે, જે મચ્છરોના ઉત્પત્તિ માટે શ્રેષ્ઠ વાતાવરણ છે. આ સિઝનમાં મચ્છરો ભરપૂર હોય છે અને આ બીમારીઓનું કારણ બને છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને મચ્છરજન્ય રોગોની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી, તેમના લક્ષણો, નિવારણ અને સારવાર વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
ડેન્ગ્યુ અને મેલેરિયાના લક્ષણો: જયારે પણ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા થાય છે ત્યારે તેને લક્ષણો શરીરમાં જોવા મળે છે. આ લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુ અથવા હાડકામાં દુખાવો, ઉબકા, ઉલટી, સોજો, ચકામા, થાક/નબળાઈ વગેરેનો સમાવેશ થાય છે.
ડેન્ગ્યુ-મેલેરિયાથી કેવી રીતે બચવું ? વરસાદની ઋતુમાં સાંજે વહેલા ઘરની બારી-બારણાં બંધ કરી દો. ઘરની આસપાસ ખાસ કરીને કુલર, પોટ્સ વગેરે જેવી વસ્તુઓમાં પાણીને સ્થિર ન થવા દો. બની શકે તો આખો દિવસ આખી બાંયના કપડાં પહેરો જેથી મચ્છર કરડી ન શકે. મચ્છર ભગાડનાર વસ્તુઓનો ઉપયોગ કરો. જો તમને તાવ જેવા કોઈ લક્ષણો જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
જો તમે પણ ચોમાસામાં અહીંયા જણાવેલી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી સાથે તમે તમારા પરિવારને પણ સ્વસ્થ્ય શકશો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો જેથી તે પણ ચોમાસામાં સ્વસ્થ્ય રહી શકે.