દરેક લોકો ઇચ્છતા હોય છે કે તેઓ સ્વસ્થ રહીને લાંબુ આયુષ્ય જીવે. પરંતુ ઉંમર વધવાની સાથે શરીર નબળું પડતું જાય છે અને રોગોનું વર્ચસ્વ પણ વધતું જાય છે. પરંતુ એવું નથી કે સ્વસ્થ રહીને લાંબુ જીવન જીવવું અશક્ય છે. સ્વસ્થ રહેવા માટે સખત મહેનત કરવી પડે છે.
સ્વસ્થ રહેવા માટે તમારો આહાર અને વર્કઆઉટ પણ મોટી ભૂમિકા ભજવે છે. આ સિવાય કેટલાક એન્ટી એજિંગ ફૂડ્સ પણ છે, જે શરીરને અંદરથી સ્વસ્થ બનાવીને તમને લાંબુ આયુષ્ય આપી શકે છે. તો ચાલો જાણીએ આ ફૂડ્સ વિષે.
અખરોટ: ડ્રાયફ્રુટ નું સેવન ખુબજ ફાયદાકારક માનવામા આવે છે. જે લોકો અઠવાડિયામાં ત્રણ કે તેથી વધુ વખત અખરોટ ખાય છે, તેમની ઉંમર પણ બેથી ત્રણ વર્ષ વધી જાય છે એવું એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. આ સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે નિયમિતપણે અખરોટ ખાવાથી કેન્સર અને હૃદયની બીમારીઓથી બચી શકાય છે.
કેન્સર અને હૃદયની બીમારીઓ એવી બીમારીઓ છે જેનું જોખમ ઉંમર સાથે વધતું જાય છે. બ્રોકોલી: બ્રોકોલી તમારા શરીર માટે દવાનું કામ કરે છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થા દરમિયાન બ્રોકોલીમાં હાજર નિકોટિનામાઇડ મોનોન્યુક્લિયોટાઇડ તમારા સ્નાયુઓ, યકૃત અને આંખોને મજબૂત બનાવે છે આ સાથે તે વજનને સંતુલિત કરે છે, તમારી સહનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
એવોકાડોઃ એવોકાડો પોષણથી પણ ભરપૂર છે આ સાથે તે ખાવામાં જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં હેલ્ધી ફેટ હોય છે, જે શરીરને અંદરથી સ્વસ્થ બનાવી રાખે છે અને ત્વચાને ચમક આપે છે. એવોકાડોમાં વિટામિન A પણ હોય છે, જે તમને ઘણા પ્રકારના ચેપથી બચાવે છે.
ચિયા સીડ્સઃ ચિયા સીડ્સ પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે તે એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે, જે ત્વચા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચિયા સીડ્સ ઓમેગા-3 ફેટી એસિડ્સ, ફાઈબર, પ્રોટીન અને તમામ આવશ્યક એમિનો એસિડથી ભરપૂર હોય છે.
તમને જણાવીએ કે આરોગ્ય નિષ્ણાતો પણ ખોરાકમાં ચિયાના બીજનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. દ્રાક્ષ: અત્યારના સમયમાં બજારમાં દ્રાક્ષ પુષ્કળ પ્રમાણમાં મળે છે. દ્રાક્ષ દેખાવમાં ઘણી નાની હોય, પરંતુ તે ઘણા મહત્વપૂર્ણ એન્ટી એજિંગ તત્વોથી ભરપૂર હોય છે.
એક દ્રાક્ષમાં 1600 કુદરતી છોડના સંયોજનો જોવા મળે છે જે ઓછા લોકોને ખબર હશે. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઉંમરને ધીમી અને સ્વસ્થ રીતે આગળ વધારે છે.
પાલકઃ તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે ઈમ્યુન સીસ્ટમ ને સ્વસ્થ રાખવા પાલકનું સેવન કરવું જોઈએ. પાલકમાં સારી માત્રામાં પોષક તત્વો હોય છે અને તેમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. પાલકમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે આ સાથે તેમાં રહેલા વિટામિન-એ અને વિટામિન-સી ત્વચાના નવા કોષો બનાવે છે.
બ્લુ બેરી: બ્લુ બેરીમાં વિટામીન એ અને સી ની સાથે એન્થોકયાનિન હોય છે, જે એન્ટી-એજિંગ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે એન્થોસાયનિન્સની વધુ માત્રા શરીરને ઘણા બધા રોગોથી બચાવે છે અને વૃદ્ધત્વ છતાં શરીરને યુવાન રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, બ્લુ બેરી તમને હૃદય, કેન્સર જેવા ગંભીર રોગોથી પણ બચાવે છે.