ઘણા લોકોને ભોજન લીધા પછી ભોજનનું બરાબર પાચન થતું નથી તેથી તેઓ પેટની નાની મોટી ઘણી બધી સમસ્યાઓથી પીડાય છે. ભોજન કર્યા પછી તેનું યોગ્ય પાચન થવું ખુબજ જરૂરી છે. તો આજે તમને એક પાચક મુખવાસ વિષે જણાવીશું. આ મુખવાસ આપણે 9 વસ્તુઓને ભેગી કરીને બનાવીશું.
આ પાચક મુખવાસ દરરોજ બપોરે જમ્યા પછી એક ચમચી ખાવાનો છે જેથી તમારી પાચનશક્તિ મજબૂત બની પેટની બધી સમસ્યાઓથી તમને રાહત થઇ જાય. આ મુખવાસ જમેલા ખોરાકનું સારી રીતે પાચન કરે છે તેમ જ આ મુખવાસ કફ, પિત્ત અને વાયુ એમ દરેક પ્રકૃતિને માફક આવે છે. તો ચાલો જાણીએ આ મુખવાસ વિષે.
આ મુખવાસ બનાવવા માટે સૌથી પહેલી વસ્તુ સફેદ તલ લેવાના છે. સફેદ તલની તાસીરમાં ગરમ હોય છે અને તેમાં રહેલું કુદરતી તેલ વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જેથી દાંત અને હાડકાંને મજબૂત બને છે. આ મુખવાસ બનાવવા માટે બીજી વસ્તુ લેવાની છે કાળા તલ. કાળા તલ તાસીરે ઠંડા છે. તે શરીરમાં હિમોગ્લોબીન વધારે છે તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
આ મુખવાસ બનાવવા માટે ત્રીજી વસ્તુ લેવાની છે અળસી. અળસીમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન બી કોમ્પ્લેક્સ તેમજ મૅંગેનીઝ હોય છે. આ ઉપરાંત તેની તાસીર ગરમ હોય છે. અળસી હૃદયની ધમનીઓની સ્થિતિસ્થાપકતાને વધારે છે અને હાઈ બીપીને કંટ્રોલમાં રાખે છે.
આ મુખવાસ બનાવવા માટે ચોથી વસ્તુ લેવાની છે વરીયાળી. વરીયાળી તાસીરમાં ઠંડી હોય છે અને તે ફાઈબરથી ભરપૂર હોવાથી કબજીયાત દૂર કરે છે. વરીયાળી શરીરમાં થતો પાણીનો ભરાવો દૂર કરી તમારું વજન પણ ઘટાડે છે. આ ઉપરાંત તે લોહીને શુદ્ધ કરે છે અને આંખોની રોશની વધારે છે.
આ મુખવાસ બનાવવા માટે પાંચમી વસ્તુ લેવાની કલોનજી. કલોનજી તાસીરમાં ગરમ છે. તે પાચનશક્તિ વધારે છે અને બ્લડ શુગરને ઘટાડે છે જેથી ડાયાબિટીસમાં ફાયદો કરે છે. કલોનજી સાંધાના વા અને સોજાને દૂર કરે છે. આ ઉપરાંત તે શરીરની ઇમ્યુનિટી તેમજ યાદશક્તિ વધારવાની સાથે માથાના દુખાવામાં પણ રાહત આપે છે.
આ મુખવાસ બનાવવા માટે છઠ્ઠી વસ્તુ લેવાની છે જીરું. જીરું તાસીરમાં ઠંડુ છે અને તે શરીરનું મેટાબોલિઝમ વધારી પાચનને ઝડપી બનાવે છે. પાચન ઝડપી બનવાથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. મસાલેદાર ખોરાક ખાવાથી એસિડિટીની સમસ્યા થાય છે પરંતુ જીરું ખાવાથી એસીડીટીની સમસ્યા દૂર થાય છે.
આ મુખવાસ બનાવવા માટે સાતમી વસ્તુ લેવાની છે સુવાદાણા. સુવાદાણા તાસીરમાં ગરમ છે. તે ભારે ખોરાક લીધા પછી થતા અપચાને દુર કરે છે, પેટમાં આવતી ચૂંક મટાડે છે તેમજ તે લિવર અને ગર્ભાશયને શુદ્ધ કરે છે.
આ મુખવાસ બનાવવા માટે આઠમી વસ્તુ લેવાની છે અજમો. અજમો તાસીરમાં ગરમ છે અને તે શરીરમાં કફ થતો અટકાવે છે. તે શ્વાસની દુર્ગંધ દૂર કરી દાંતના રોગોથી બચાવે છે. અજમાનો ઉપયોગ ઉધરસ અને શ્વાસ ના રોગો મટાડવા પણ થાય છે. અજમો નબળી પાચન શક્તિને વધારે છે.
આ મુખવાસ બનાવવા માટે નવમી વસ્તુ લેવાની છે આમળા. આમળા તાસીરમાં ઠંડા છે. આમળાનો મુખવાસમાં ઉપયોગ કરવા માટે તેને ધોઈને તડકામાં સૂકવી લેવા. તમને જણાવીએ કે આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. મુખવાસ દાંત વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે.
હવે જાણીએ પાચક મુખવાસ બનાવવાની રીત: અહીંયા તમને ઉપર જણાવેલી દરેક સામગ્રી 50 ગ્રામ લેવી. અળસી અને આમળા સિવાય દરેકે વસ્તુને સારી રીતે સાફ કરી અલગ અલગ વાસણમાં અડધી ચમચી હળદર અને જરૂર પ્રમાણે સિંધવ નમક વાળું પાણી છાંટી સારી રીતે મિક્સ કરી અલગ અલગ જ છાયામાં સુકવી લેવું.
અહીંયા એક વાતનું ધ્યાન રાખો કે પાણી ફક્ત ભીનાશ પૂરતું જ નાખવું. વધુ પાણી નાખવાથી મુખવાસ શેકવામાં વધુ સમય લાગી શકે છે. અળસી માં એક લીંબુનો રસ અને સિંધવ નમક મેળવીને સારી રીતે મિક્સ કરી અલગ રાખવું. અહીંયા તમારે આમળાને શેકવાની જરૂર નથી.
અડધા કલાક પછી દરેકને અલગ અલગ શેકી ચાળી લઇ બધી સામગ્રી મિક્સ કરી, ઠંડું પડે એટલે એરટાઇટ ડબામાં કે કાચની બરણીમાં ભરી લેવું. આ મુખવાસને ફ્રીજમાં રાખ્યા વગર તમે ત્રણ મહિના સુધી તેનો ઉપયોગ કરી શકો છો.
આ પાચક મુખવાસ જમ્યા પછી એક ચમચી ખાવાથી પાચન ખૂબ સારી થઇ જાય છે. તેમજ ગેસ કે એસિડિટીની ફરિયાદ રહેતી નથી. આ મુખવાસ ખાવાથી તમારા દાંત અને હાડકા મજબૂત રહે છે.
