સામાન્ય રીતે બધા લોકો જુદા જુદા ફળો ખાવા માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ ઘણા એવા ફળો પણ હોય છે જે ખાધા પછી તેનો ઉપયોગ જુદી જુદી રીતે કરી શકીએ છીએ. આ ફળો માં સંતરા નો સમાવેશ થાય છે. સંતરામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.
સંતરા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે. મોટાભાગના લોકો સંતરાનું સેવન કરીને તેની છાલ ફેંકી દે છે. જો તમે પણ આવું કરી રહ્યા છો તો હવેથી બંધ કરી દેજો, કારણકે સંતરાની છાલનો ઉપયોગ કરીને પણ ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે જે વિષે મોટાભાગના લોકો અજાણ છે.
તો આવી સ્થિતિમાં અહીંયા તમને સંતરાની છાલનો ઉપયોગ કરીને થતા સ્વાસ્થય લાભ વિશે જણાવીશું. ઘણા લોકો ચહેરા પર ડાઘ, બ્લેક હેડ્સ અને ખીલની સમસ્યાથી પરેશાન હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે સંતરાની છાલનો ઉપયોગ કરીને તમે આ પરેશાની દૂર કરીને તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો.
આ માટે તમારે સંતરાની છાલનો પાવડર સ્વરૂપનો ઉપયોગ કરવો જોઈએ. સૌ પ્રથમ જાણીએ કે સંતરાની છાલનો પાવડર કેવી રીતે બનાવી શકો છો. સંતરાનો પાવડર બનાવવા સૌથી પહેલા સંતરું ખાધા પછી સંતરાની છાલને તડકામાં સારી રીતે સુકવી લો. ત્યારબાદ જ્યારે સંતરાની છાલ તડકામાં સારી રીતે સુકાઈ જાય ત્યારે તેને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો. તો આ રીતે તમે તેનો પાવડર બનાવી શકો છો.
ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે જે રીતે સંતરામાં વિટામિન સી હોય છે, તેવી જ રીતે તેની છાલમાં પણ વિટામિન સી મળી આવે છે. તો ચાલો જાણીએ છાલમાંથી બનાવેલા પાવડરના ફાયદાઓ વિશે.
જો તમારા ચહેરા પર વધુ પડતા ડાઘ થઇ ગયા છે અને તમારો ચહેરો એકદમ નિસ્તેજ બની ગયો છે તો આ સમસ્યાથી છુટકારો મેળવવા તમે સંતરાની છાલનો ઉપચાર કરી શકો છો. આ માટે સૌથી પહેલા સંતરાની છાલના પાવડરમાં એક ચમચી મધ ઉમેરીને, બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
હવે આ બનેલી પેસ્ટ જ્યારે એકરસ થઈ જાય ત્યારે તેને ચહેરા પર લગાવી દો. આવું કરવાથી તમારો ચહેરો એકદમ ચમકદાર બની જશે અને તમારા ચહેરા પર ડાઘ દૂર થઇ જશે.
આ સાથે જો તમારા ચહેરા પર બ્લેક હેડ્સ અને કાળા ખીલ થઈ ગયા છે તો પણ તમે સંતરાનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા સંતરાની છાલનો પાઉડર, ગુલાબજળ, મુલતાની માટી સરખા પ્રમાણમાં લઈને તેની એક પેસ્ટ બનાવી લો. હવે બનાવેલી પેસ્ટને ધીમે ધીમે ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ જેવું રહેવા દો. ત્યારબાદ ચહેરાને સારી રીતે ધોઈને સાફ કરી લો.
જો તમારી ત્વચા ફાટી ગઈ છે તો તમે સંતરાની છાલનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય કરવાથી તમારી ત્વચા એકદમ ચમકદાર અને સ્વસ્થ બની જશે. આ માટે સૌથી પહેલા બે ચમચી સંતરાની છાલનો પાવડર લો. ત્યારબાદ તેમાં એક નાની ચમચી દૂધ અને નારિયેળ તેલ મિક્સ કરી લો.
હવે તેને બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાવો. ચહેરા પર લગાવ્યા પછી તેને દોઢથી બે કલાક રહેવા દો. પછી સ્નાન કરી લો. આવું કરવાથી તમને ચોક્કસ ફરક જોવા મળશે. ઘણા લોકોને જાણીને આશ્ચર્ય થશે કે સંતરાની છાલનો ઉપયોગ વાળને પણ ચમકદાર, લાંબા અને કાળા બનાવવા થાય છે.
આ માટે સૌથી પહેલા સંતરાની છાલના પાવડરને એક રાત માટે પાણીમાં પલાળી દેવી. હવે તેને સવારે ફિલ્ટર કરીને વાળમાં લગાવવી. જો તમે આવું 4 થી 5 દિવસમાં એક વખત કરશો તો તમને ચોક્કસ પરિણામ જોવા મળશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.