બદલાતી ઋતુમાં ખોરાકનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે એમાં પણ ઉનાળામાં તો ખાસ ધ્યાન રાખવું પડે છે. શિયાળાની ઠંડીમાં જ્યાં શરીરને ગરમ રાખનારી વસ્તુઓ ખાવામાં આવે છે એજ રીતે ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડુ રાખતી વસ્તુઓ ખાવી જોઈએ. પરંતુ આહારમાં આ ફેરફારો સાવધાનીપૂર્વક કરવા જોઈએ નહીંતર બીમાર થવાનું જોખમ વધી જાય છે.
શિયાળાની ઋતુ પુરી થઇ ગઈ છે અને ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. હવામાનના બદલાવની શરીર પર ઘણી અસર થાય છે જે વિષે તમે જાણતાજ હશો. આવી સ્થિતિમાં જીવનશૈલીથી લઈને ખાવાપીવા પર ઘણું ધ્યાન આપવું ખુબજ જરૂરી છે. ઉનાળાના સમયે બપોરે ખુબજ ગરમી અને રાત્રે હળવું વાતાવરણ ઠંડુ હોય છે.
આવી સ્થિતિમાં તમારી થોડી બેદરકારી પણ તમને બીમાર કરી શકે છે. તો અહીંયા તમને કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જે તમારા શરીરને બદલાતી ઋતુની પરેશાનીઓથી સુરક્ષિત રાખી શકશે. તો ચાલો જાણીએ ઉનાળાની સિઝનમાં તમારે કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ.
નારિયેળ પાણી: ઉનાળામાં બીમારી સામે લડવા માટે નારિયેળ પાણી શ્રેષ્ઠ વિકલ્પ છે. તમને જણાવીએ કે નારિયેળ પાણીમાં તમામ જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો હોય છે. તે પેટને ઠંડક આપે છે અને તેમાં રહેલા પોષક તત્વો ગરમ હવામાન સામે લડવામાં મદદ કરે છે. ઘણા અભ્યાસ અનુસાર, નિયમિતપણે નારિયેળ પાણી પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ બચી શકાય છે.
લીંબુ પાણી: ઉનાળામાં દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો. લીંબુ પાણી ઉનાળા માટે આ શ્રેષ્ઠ પીણું છે. લીંબુનું શરબત એક ગ્લાસ શરીરને અનેક રીતે ફાયદો કરે છે. લીંબુ પાણીનો સ્વાદ વધારવા માટે તમે તેમાં મીઠું, એક ચપટી જીરું પાવડર પણ ઉમેરી શકો છો. લીંબુ પાણી તમને દિવસભર ઠંડક આપે છે. ઉનાળામાં જરૂરથી એક ગ્લાસ લીંબુ પાણી પીવું જોઈએ.
તરબૂચ: તમને જણાવીએ કે તરબૂચમાં 91% પાણી હોય છે જે શરીરમાં પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તરબૂચમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તરબૂચ વિટામિન A ના સારા સ્ત્રોત તરીકે જાણીતું છે, જે તમારી આંખો અને હૃદય માટે સારું છે. તરબૂચ શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરે છે એટલા માટે ઉનાળામાં તરબૂચનું જરૂર સેવન કરવું.
કાકડી: ઉનાળાની સીઝનમાં બજારમાં કાકડી ખુબજ સરળતાથી મળી રહે છે. કાકડીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ઉનાળામાં કાકડી ખાવાથી કબજિયાત દૂર રહે છે. કાકડીમાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે જે ડિહાઈડ્રેશનને દૂર કરે છે. તેથી ઉનાળાની સિઝનમાં બને તેટલી વધુ કાકડી ખાઓ.
દહીં: ઘણા લોકો દહીંને ખાવા પૂરતું જ ખાય છે. ઘણા ઓછા લોકો દહીં ખાવાના ફાયદા વિષે જાણતા હોય છે. દહીં ખાવામાં માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે શરીરને ઠંડક પણ આપે છે. તમે દહીંને અલગ-અલગ રીતે પણ લઈ શકો છો. તમે દહીંને છાશ કે મીઠી લસ્સી બનાવીને પી શકો, તેને રાયતા બનાવીને પણ ખાઈ શકો છો.
ફુદીનો: ફુદીનાનું નામ પડતાજ મહિલાઓના મનમાં પાણીપુરીની યાદ આવી જાય છે. ફુદીનો એક એવી વસ્તુ છે જે તમને ગમે ત્યાં સરળતાથી મળી રહે છે. ફુદીનાને તમે દહીં, છાશ કે રાયતા સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. તમે ફુદીનાની ચટણી બનાવીને પણ તેને ડાયટમાં સામેલ કરી શકો છો. ફુદીનો શરીરના તાપમાનને ઠંડુ રાખે છે આ સાથે તે તમને તાજગી પણ આપે છે.
ડુંગળી: તમને જણાવીએ કે ડુંગળીમાં ઠંડકનો ગુણ હોય છે. ડુંગળીમાં તમે લીંબુ-મીઠું ઉમેરીને સલાડ બનાવીને ખાઈ શકો છો. ડુંગળી ખાવાની બીજી રીત એ છે કે તેને તમારા શાકભાજી, કઢી અને રાયતામાં સામેલ કરી શકો છો. લાલ ડુંગળીમાં ક્વેર્સેટિન હોય છે, જે કુદરતી એન્ટિ-એલર્જન માનવામાં આવે છે. દરરોજ ડુંગળી ખાવાથી સન-સ્ટ્રોકથી બચવામાં પણ મદદ મળે છે.
દૂધી: દૂધીમાં ઘણા પ્રકારના પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક હોય છે. દૂધીમાં રહેલા પોષક તત્વો શરીરને રોગોથી બચાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે દરરોજ સવારે ખાલી પેટે દૂધીનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે.
