ડ્રાયફ્રુટ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આપણે મોટાભાગે ડ્રાયફ્રૂટમાં બદામ, અખરોટ, કિસમિસ અને પિસ્તા વગેરેનું સેવન કરીએ છીએ. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે અખરોટ તો ખાધા જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ડ્રાયફ્રુટથી તમે તમારી સુંદરતામાં પણ વધારો કરી શકો છો?
હકીકતમાં અખરોટમાં રહેલા ઓમેગા-3, કેલ્શિયમ, કોપર, સેલેનિયમ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી તેમાંથી બનાવેલ ફેસ પેક તમારી સુંદરતામાં અનેક ઘણો વધારો કરી શકે છે.
આજે અમે તમને અખરોટથી ફેસ પેક કેવી રીતે બનાવી શકાય તેની રીત જણાવીશું, જેથી કરીને તમે પણ કોઈ કેમિકલ્સ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર અને કોઈપણ આડઅસર વગર કુદરતી રીતે તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો.
અખરોટ સ્ક્રબ : ચહેરાને સ્વચ્છ અને સુંદર બનાવી રાખવા માટે સ્ક્રબિંગ કરવું પણ ખૂબ જ જરૂરી છે. સ્ક્રબ કરવાથી મૃત ત્વચા દૂર થાય છે અને તેની સાથે ત્વચાને મુલાયમ અને સોફ્ટ બનાવે છે. અખરોટ સ્ક્રબ માટે સામગ્રી : 3 થી 5 અખરોટ પાવડર, 2 ચમચી કાચું દૂધ અને 1 ચમચી મધ
કેવી રીતે લગાવવું ? આ ત્રણ સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે તેને ચેહેરો ધોઈને ચહેરા પર લગાવો અને હળવા હાથે ઘસો. આ કામ 2 થી 3 મિનિટ સુધી કરો અને પછી થોડીવાર માટે લગાવેલું રહેવા દો. લગભગ 10 મિનિટ પછી તેને પાણીથી ઘસીને ધોઈ લો.
તમે આ રીતે પણ સ્ક્રબ કરી શકો છો : તમે અખરોટ અને ખાંડ મિક્સ કરીને પણ સ્ક્રબ તૈયાર કરી શકો છો. તેનાથી ત્વચા એક્સ્ફોલિયેટ થાય છે અને મૃત કોષો બહાર નીકળી જાય છે. અખરોટ ખાંડ સ્ક્રબ સામગ્રી : 1 ચમચી ખાંડ, 1 ચમચી અખરોટ પાવડર અને લીંબુનો રસ.
તેનો આ રીતે ઉપયોગ કરો : આ ત્રણે વસ્તુઓને એક બાઉલમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો અને ઓછામાં ઓછા 2-3 મિનિટ સુધી હળવા હાથે ઘસો. મસાજ કર્યા પછી તેને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો. પછી તેને સામાન્ય પાણીથી સાફ કરી લો.
અખરોટમાંથી બનાવો ફેસ પેક : અખરોટમાંથી ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા અખરોટનો પાવડર બનાવી લો અને તેને એક ડબ્બામાં ભરીને રાખી મુકો. પછી તમે જ્યારે ઇચ્છો ત્યારે તેનો ઉપયોગ કરીને ફેસપેક બનાવી શકો છો. ફેસ પેક માટે સામગ્રી : 2 ચમચી અખરોટ પાવડર, એક ચપટી હળદર, એક ચમચી મધ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી ફૂલ મલાઈ
આ રીતે લગાવો : આ ત્રણેય સામગ્રીને એક બાઉલમાં નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે આ પેસ્ટને તમારો ચહેરો ધોઈને તમારા ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. આ પેકને 10-15 મિનિટ લગાવીને રાખ્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો.
ફાયદા : અખરોટ ફેસ પેક અને સ્ક્રબ ત્વચાને કોમળ, સુંદર અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
તેનાથી ચહેરાના વાળનો ગ્રોથ પણ ઓછો થાય છે અને ચહેરા પર જમા થયેલી ગંદકી પણ સંપૂર્ણપણે સાફ થઇ જાય છે. અખરોટનો ફેસ પેક ખીલ દૂર કરે છે અને કરચલીઓ પણ ઘટાડે છે.
સ્પેશિયલ ટિપ્સ : ચહેરાના અનિચ્છનીય વાળના ગ્રોથને ઘટાડવા માટે અખરોટના પાવડરને દૂધમાં મિક્સ કરો અને દરરોજ ચહેરા પર લગાવો. આ અખરોટની પેસ્ટને વાળની વૃદ્ધિની વિરુદ્ધ દિશામાં લગાવો અને ઘસતા વખતે ધોઈ લો.
અખરોટના પાઉડરમાં દહીં અને મધ મિક્સ કરીને લગાવવાથી ડેડ સ્કિન દૂર થાય છે. આ પેસ્ટને તમે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર જરૂર લગાવો. તમે આંખો હેઠળના ડાર્ક સર્કલ ઘટાડવા માટે અખરોટના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે દરરોજ અખરોટનું તેલ ગરમ કરીને સૂતા પહેલા તેને આંખોની નીચે લગાવો.
અખરોટના પાવડરમાં લીંબુ, મધ અને ઓટમીલ મિક્સ કરીને આંખોની નીચે લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થઇ જાય છે. આ પ્રક્રિયા અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર કરો.
જો કે કુદરતી ઘરે બનાવેલા ફેસ પેકથી ત્વચાને ફાયદો થાય છે પરંતુ દરેકના શરીરની જેમ દરેકની ત્વચા પણ અલગ-અલગ હોય છે અને જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો, તમે એક નાનો ટેસ્ટ કરો અથવા કોઈ સ્કિન પ્રોબ્લમ અને સારવાર ચાલુ છે તો એક્સપર્ટની સલાહ પછી જ તેનો ઉપયોગ કરો.