હેલો મિત્રો, આજે અમે તમને શરીરમાં થતી કોઈપણ જાતની બળતરા જેમ કે પેટમાં બળતરા, હાથ કે પગના તળિયામાં થતી બળતરા, પેશાબમાં બળતરા કે આંતરિક ગરમીને દૂર કરવાના સરળ ઘરેલુ ઉપચારો વિષે જણાવીશું. બળતરા થવાનું મુખ્ય કારણ આંતરિક ગરમી છે. આંતરિક ગરમી વધવાથી પેટમાં, છાતીમાં, હાથમાં કે પગના તળીયામાં બળતરા થાય છે.
માટે આ બળતરાને શાંત કરવા માટે શરીરને શીતળતા એટલે કે ઠંડક આપે એવા ઉપચારો કરવા જોઈએ. સૌ પહેલા તો જેમની પિત્ત પ્રકૃતિ છે એમને આ તકલીફ વધુ થાય છે. વળી વાતાવરણમાં ગરમી વધવાથી તકલીફ વધે છે. માટે પિત્ત પ્રકૃતિના લોકો એ ગરમીની સિઝનમાં તડકામાં બહાર ન રહેવું. જો અગત્યના કારણસર બહાર જવું જ પડે તેમ હોય તો ટોપી અને ગોગલ્સ પહેરીને જવું.
બહાર નીકળતી વખતે અને બહારથી આવ્યા ના થોડી વાર પછી પાણી વધારે પીવું. જેથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને આંતરિક ગરમી વધતી નથી. જેને કારણે શરીરમાં બળતરા રહે છે તેમને વધુ પડતો મસાલાવાળો અને તીખો તળેલો ખોરાક ન લેવો. તેને બદલે શરીરને માફક આવે એવો પોષ્ટિક ખોરાક લેવો.
શક્કરટેટી, તડબૂચ, સંતરા, મોસંબી, નાળિયેર પાણી વગેરેમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તે શરીરને ઠંડક આપે છે. આ ફળોને જ્યુસ બનાવીને પીવાને બદલે સીધા જ ચાવીને ખાવાથી તેમાં રહેલા ફાઈબર નો પણ લાભ મળે છે અને કબજિયાત દૂર થાય છે. તેથી આંતરડાની ગરમી બહાર નીકળી જાય છે. હવે કેટલાક એવા સરળ ઘરેલુ ઉપચારો જોઈએ જેનાથી શરીરના કોઈપણ ભાગમાં થતી બળતરા કે ગરમી દૂર થાય છે.
એક ચમચી આંબળાનો પાઉડર અને એક ચમચી ઈલાયચીના દાણાનો ભૂકો કરી બંન્નેને મિક્સ કરી સાદા પાણી સાથે લેવાથી શરીરમાં થતી બળતરા મટે છે. પેટમાં થતી બળતરા મમરા અને ખડી સાકરને પાણીમાં ઉકાળો ગાળી ને આ ઉકાળો દિવસમાં ત્રણથી ચાર વાર પીવો.
એક ચમચી વડના દૂધમાં સાકર મેળવીને સવાર-સાંજ પીવાથી આંખો, પેટ, હાથ પણ, પેશાબની બળતરા મટે છે. એક ચમચી શતાવરી ચૂર્ણ, એક ચમચી સાકર અને એક ચમચી ગાયનું ઘી મિક્ષ કરી સવારે સાંજ ખાવાથી અને ઉપર ગાયનું દૂધ પીવાથી આંતરિક ગરમી દૂર થઈ બળતરા શાંત થાય છે.
એક ચમચી ત્રિફળા ચૂર્ણ રાત્રે પાણીમાં પલાળી સવારે મસળીને ગાળીને આ પાણી આંખમાં છાંટવાથી આંખોની ગરમી દૂર થઈ બળતરા મટે છે. 8 થી 10 કાળી દ્રાક્ષ અને એક ચમચી સૂકા ધાણા ને એક કપ પાણીમાં રાત્રે પલાળી સવારે મસળીને ગાળીને સાકર ઉમેરીને પીવાથી શરીરની આંતરિક ગરમી દૂર થઈ તમામ પ્રકારની બળતરા મટે છે.
જમ્યા પછી જો પેટમાં અને છાતીમાં બળતરા થતી હોય તો ધાણાજીરું ચૂર્ણમાં સાકર સાથે જમ્યા પછી લેવાથી પેટની ગરમી શાંત થાય છે. પગના તળિયે ગાયનું ઘી ઘસવાથી પગના તળિયામાં થતી બળતરા શાંત થાય છે. જો કે પગનાં તળિયે ગાયનું ઘી ઘસવાથી બીજા અનેક ફાયદા થાય છે.
કોકમની સાકર નાખીને બનાવેલું શરબત પીવાથી પિત્તને કારણે થતી બળતરા મટે છે. એક નાની ડુંગળીને છીણી ને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળી અડધું થાય ત્યારે ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી પેશાબની બળતરા મટે છે. જેમની આંખો કાયમી લાલ રહેતી હોય કે બળતી હોય તેમણે આંખોમાં ગુલાબજળના ટીપાં નાખવા. નિયમિત રીતે આખોમાં ગુલાબજળનાં ટીપાં નાંખવાથી આંખોને ઠંડક મળે છે અને બળતરા કે લાલાશ મટે છે.
બે લીટર પાણીમાં ચાર ચમચી સૂકા ધાણા અધકચરાં ખાંડી ને નાખવા. આ પાણીને ઉકાળીને ઠંડુ થાય ત્યારે ગાળીને સ્વચ્છ વાસણમાં ભરી લેવું. દિવસ દરમિયાન જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી પીવું. જરૂર પડે તો નવું બનાવી લેવું. આ પાણી ખૂબ જ ઠંડક આપે છે અને શરીરની તમામ પ્રકારની ગરમીને કારણે થતી બળતરાને મટાડે છે.
દાડમના દાણાનો રસ કાઢી સાકર નાખીને પીવાથી પિત્ત શાંત થાય છે અને શરીરના કોઈપણ ભાગમાં થતી બળતરા મટે છે. દૂધીનો રસ લીલા ધાણા અને સાકર ઉમેરીને પીવાથી તેમ જ પગના તળિયે દૂધીનું છીણ બાંધવાથી પગના તળિયે થતી બળતરા મટે છે.