મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ઘણી પીડાનો સામનો કરવો પડે છે. માસિક ચક્ર દરમિયાન દર મહિને સ્ત્રીઓને પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ખેંચાણ, કમરનો દુખાવો, મૂડ સ્વિંગ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. ખાનપાન અને ખોટી જીવનશૈલી પણ પીરિયડ્સ દરમિયાન પરેશાની વધારી શકે છે.
આ અસહ્ય દર્દથી રાહત મેળવવા માટે ઘણી સ્ત્રીઓ દવાઓ લે છે. જો તમે ઇચ્છો તો ઘરગથ્થુ ઉપચારની મદદથી પણ પીરિયડ્સના દુખાવાથી રાહત મેળવી શકો છો. તો આવો જાણીએ, આ દુખાવાથી રાહત મેળવવા માટે તમારે ડાયટમાં શું સામેલ કરવું જોઈએ.
1. લીલા શાકભાજી ખાઓ : પીરિયડ્સ દરમિયાન લોહીની ઉણપને કારણે શરીરમાં આયર્નની માત્રા ઘટી શકે છે. જેના કારણે સુસ્તી અનુભવાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે લીલા શાકભાજી ખાઈ શકો છો. લીલાં પાનવાળી શાક, પાલક વગેરેનું સેવન કરી શકાય.
2. દહીં-ભાત : જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધુ દુખાવો થતો હોય અને દવાઓનો સહારો લેવો પડતો હોય તેવા લોકોએ દહીં-ભાત ખાવા જોઈએ. દહીં અને ભાત સાથે તમે લીલા શાકભાજી ખાઈ શકો છો. જો કોઈ વ્યક્તિ માસિક ધર્મના થોડા દિવસો પહેલા જ દહીં-ભાત ખાવાનું શરૂ કરી દે તો તેનાથી પણ ફાયદો થઈ શકે છે.
3. કેળા, પાઈનેપલ અને કીવી : કેળામાં વિટામિન B6 અને પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે. આ પેટનું ફૂલવું અને પીરિયડ ક્રેમ્પ્સને દૂર કરવામાં મદદ કરી શકે છે. જો તમે સ્મૂધી બનાવતા હોવ તો તેમાં પાઈનેપલ અને કીવીને ઉમેરી શકો છો. વાસ્તવમાં, અનાનસમાં બ્રોમેલેન એન્ઝાઇમ હોય છે જે સોજા સામે લડે છે.
4. કેલ્શિયમ યુક્ત આહાર લો : પીરિયડ્સના દુખાવાને ઓછો કરવા માટે કેલ્શિયમથી ભરપૂર ખોરાક લો. આ ખેંચાણ ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે ખોરાકમાં દૂધ, પનીર, દહીં વગેરે લઈ શકો છો.
5. અજમો ફાયદાકારક છે : પીરિયડ્સ દરમિયાન ગેસની સમસ્યા વધી જાય છે જેના કારણે પેટમાં દુખાવો થાય છે. આ સ્થિતિમાં, અજમાનું સેવન કરી શકાય છે. આ માટે અજમામાં મીઠું ભેળવીને હુંફાળા પાણી સાથે સેવન કરો. તમે પીરિયડ્સના દુખાવામાં રાહત મેળવી શકો છો.
6. પપૈયું ખાઓ : પીરિયડ્સ દરમિયાન પાચન સુધારવા માટે પપૈયાને આહારમાં સામેલ કરી શકાય છે. આને ખાવાથી દુખાવામાં પણ આરામ મળે છે અને લોહીનો પ્રવાહ પણ બરાબર થઈ શકે છે.
7. આદુનું સેવન કરો : પીરિયડ્સના દુખાવાને ઘટાડવા માટે તમે આદુ લઈ શકો છો. આ માટે તમે આદુની ચા પી શકો છો. 8. ડાર્ક ચોકલેટ ખાઓ : ડાર્ક ચોકલેટમાં ફાઈબર અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ પીડાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.