સમય સાથે બાળકોમાં વધતી સ્થૂળતાની સમસ્યાને સ્વાસ્થ્ય નિષ્ણાતો ખૂબ ગંભીર માને છે કારણકે નાની ઉંમરે બાળપણની સ્થૂળતા વિવિધ પ્રકારની ગંભીર આરોગ્ય સમસ્યાઓમાં મુખ્ય પરિબળ તરીકે જાણીતી છે. સ્થૂળતા ધરાવતા બાળકોમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ થવાનું જોખમ વધારે હોય છે.

આ પરિસ્થિતિઓ માત્ર બાળકના શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ વધારો કરે છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો તમામ માતા પિતા ને બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપે છે.

તમને જણાવીએ કે બાળપણમાં સ્થૂળતાના વિકાસના ઘણા કારણો હોઈ શકે છે. ખાસ કરીને આજની ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતો મુખ્ય પરિબળો તરીકે જોવામાં આવે છે. જો સ્થૂળતાની સમસ્યાને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો નાની ઉંમરમાં અનેક બીમારીઓ થવાનું જોખમ વધી શકે છે.

બાળકોમાં સ્થૂળતા વધતા પરિબળોને સમજીને તમારે તમારા બાળકને અટકાવતા રહેવું જરૂરી છે. ભલે તમારા બાળકને ખોટું લાગે કે બાળક રિસાઈ જાય તો પણ બાળકોના સારા ભવિષ્ય માટે આ ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતા વધવાના કારણો શું હોઈ શકે છે.

આહાર: આરોગ્ય નિષ્ણાતો દ્વારા આહારમાં ગડબડી સ્થૂળતાનું સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંનું એક માનવામાં આવે છે. ઉચ્ચ કેલરીવાળા ખાદ્ય પદાર્થો જેવા કે ફાસ્ટ ફૂડ, બેકડ ફૂડ, બહારનું તમતમતું, મસાલાથી ભરપૂર ખોરાક વગેરે જેવા પદાર્થોના વધુ પડતા સેવનથી તમારા બાળકનું વજન વધી શકે છે.

જે બાળકો વધુ મીઠી વસ્તુઓનું સેવન કરે છે તેઓ પણ વજન વધવાની સંભાવના ધરાવે છે. બાળકોને સ્વસ્થ રાખવા માટે તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે.

શારીરિક નિષ્ક્રિયતા: જે લોકો વ્યાયામ કે કસરત નથી કરતા તેવા લોકોમાં વજન વધવાની સમસ્યા જોવા મળે છે તેજ રીતે જે બાળકો વ્યાયામ કરતા નથી તેઓનું વજન વધવાની શક્યતા પણ વધુ હોય છે. શારીરિક નિષ્ક્રિયતાને કારણે કેલરી યોગ્ય માત્રામાં બર્ન થતી નથી.

બેઠાડુ જીવનશૈલીની આદતો જેમ કે મોબાઈલ ફોન પર વધુ સમય વિતાવવો, ટેલિવિઝન જોવું અથવા વિડિયો ગેમ્સ રમવું, ઘરની અંદર રહેવું બાળકો માટે સમસ્યાઓ વધારી શકે છે. બિનઆરોગ્યપ્રદ ખોરાક સાથે શારીરિક નિષ્ક્રિયતા એક મોટા ખતરા તરીકે જોવામાં આવે છે.

સ્ક્રીન ટાઈમમાં વધારો: જે બાળકો જરૂરથી વધારે ન ખાવાનું ખાઈ અને મોબાઈલ-ટીવી જેવી સ્ક્રીન સાથે પોતાનો મોટાભાગનો સમય વિતાવે છે તેમને પણ સ્થૂળતા થવાનું જોખમ વધારે છે. સ્ક્રિનનો વધેલો સમય ઊંઘની વિકૃતિઓનું કારણ બને છે જે શરીરમાં હોર્મોનલ અસંતુલન તરફ દોરી શકે છે, જે સ્થૂળતાની સમસ્યાને વધારવા માટે જાણીતું છે.

બાળકોને મોબાઈલ કે કોઈપણ સ્ક્રીનથી દૂર રાખવાનો પ્રયાસ કરો અને બને તેમ બહાર ઓઉટડૉર ગેમ્સ અથવા ગાર્ડનમાં જઈ સમય પસાર કરે તેવો પ્રયાસ કરો.

આનુવંશિક પરિબળો: ખરાબ આદતોની સાથે સાથે કેટલાક બાળકોને આનુવંશિકતાને કારણે વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે. જો માતા-પિતામાં સ્થૂળતાની સમસ્યા હોય તો તેની સીધી અસર બાળકો પર પણ જોવા મળે છે. આ સિવાય તણાવપૂર્ણ વાતાવરણમાં ઉછરેલા બાળકોમાં પણ આ સમસ્યા વધુ જોવા મળે છે. તમામ માતા-પિતાએ બાળકોમાં સ્થૂળતાના જોખમો અંગે વિશેષ સાવચેતી રાખવી જોઈએ.

જો બાળકોમાં વધતી સ્થૂળતા વિશેની માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવશો અને આવી જ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *