આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે સારી અને સુખદ ઊંઘ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. ઊંઘની કમી ડાયાબિટીસ, સ્થૂળતા અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓ તરફ દોરી શકે છે. પૂરતી ઊંઘ લેવાથી આપણું મન શાંત થાય છે સાથે સાથે આપણું પાચનતંત્ર પણ મજબૂત બને છે. આ ઉપરાંત, સારી ઊંઘ લેવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.
મિત્રો અત્યારના સમયમાં ઊંઘ મોટી સમસ્યા બની છે. આજે પણ મોટાભાગના લોકો સુખદ ઊંઘ લઇ શકતા નથી. ઘણા લોકો ઊંઘની ગોળીઓ લેતા થઇ ગયા છે. દરેક વ્યક્તિમાં ઊંઘ ન આવવાના અલગ-અલગ કારણો હોઈ શકે છે.
જો તમે પણ અનિંદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો અને તમારે ગોળીઓ લીધા વગર પૂરતી અને સુખદ ઊંઘ જોઈએ છે તો તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. આ લેખમાં તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું. તો આવો જાણીએ.
તેલથી માલીસ કરો : સારી અને ગાઢ ઊંઘ માટે તેલની માલિશ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. જો તેલથી માલિશ કરવામાં આવે તો આપણા હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ સિવાય તેલની માલિશ કરવાથી શરીરને આરામ તો મળે જ છે, સાથે સાથે તે આપણી ઊંઘ સુધારવામાં પણ મદદ કરે છે.
આ માટે લવંડર તેલ, ચંદનનું તેલ, સરસવનું તેલ, નારિયેળનું તેલ અને ગૂસબેરીનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તેલથી માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરની નર્વસ સિસ્ટમને પણ રાહત મળે છે.
આ ઉપરાંત સૂવાના 1 કલાક પહેલા ગરમ દૂધ પીવો. દરરોજ ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. જો તમે ઊંઘની અછતથી પરેશાન છો અથવા તમે રાત્રે સૂતી વખતે વારંવાર જાગી જાઓ છો, તો સૂતા પહેલા ગરમ સ્નાન કરવું પણ એક અસરકારક ઉપાય માનવામાં આવે છે.
જો તમે રાત્રે યોગ્ય રીતે સૂઈ શકતા નથી અથવા તમારી ઊંઘ પૂરી નથી થઈ રહી, તો દિવસના સમયે ચોક્કસપણે થોડી નિદ્રા લો. આમ કરવાથી તમારો મૂડ ફ્રેશ રહેશે અને તમે વધુ એનર્જી અનુભવી શકશો. સૂવાના સમયના 2 અથવા 3 કલાક પહેલાં રાત્રિભોજન સમાપ્ત કરો.
જે લોકો જમ્યા પછી તરત જ સૂઈ જાય છે. તેમના પેટમાં રહેલા એસિડને કારણે, છાતીમાં બળતરા થાય છે, જેના કારણે તેઓ શાંતિથી સૂઈ શકતા નથી. રાત્રે જમ્યા પછી 10 થી 20 મિનિટ ચાલી આવો. આનાથી પણ સારી ઊંઘ આવે છે.
રાત્રે સૂતા પહેલા નિકોટિન, કેફીન અને આલ્કોહોલથી દૂર રહો. આ બધી વસ્તુઓ ઊંઘમાં અવરોધક તરીકે કામ કરે છે. સૂતા પહેલા ફોન ઓછો વાપરો. સુવાની તૈયારી કરો એના એક કલાક પહેલા ફોનનો ઉપયોગ ન કરો. તેનાથી ન માત્ર ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે, પરંતુ તેની આપણી આંખોની રોશની પર પણ ખરાબ અસર પડે છે.