અત્યારના આધુનિક સમયમાં સ્વસ્થ રહેવું ખુબજ મુશ્કેલ બની ગયું છે. આ માટે દરરોજ સંતુલિત આહાર અને દરરોજ કસરત કરવી ખુબજ જરૂરી છે. સંતુલિત આહારમાં તમામ જરૂરી પોષક તત્વો મળી આવે છે. આમાંના કોઈપણ પોષક તત્વોની ઉણપ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે.
ખાસ કરીને, વિટામિન સીની અછત રોગપ્રતિકારક શક્તિના નબળા તરફ દોરી જાય છે. આ સિવાય ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે આહારમાં વિટામિન સીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તમે વિટામિન સીથી ભરપૂર નારંગી, આમળા, જામફળ, કેપ્સિકમ, આમલી વગેરે જેવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકો છો. તો આવો જાણીએ તેના ફાયદા.
ત્વચાને ચમકદાર બનાવે અને વૃદ્ધત્વ અટકાવે : વિટામિન સીથી ભરપૂર ખોરાક ખાવાથી ત્વચામાં ચમક આવે છે. તેમજ તે ત્વચાને મુલાયમ બનાવે છે. વિટામિન સી ચહેરાને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
વિટામિન સી ત્વચા પર કુદરતી ચમક જાળવી રાખે છે. જો વ્યક્તિના શરીરમાં વિટામિન સીની ઊણપ હોય તો ત્વચા ઉંમર કરતાં વહેલી લચી પડે છે અને ચહેરો જલ્દી વૃદ્ધ દેખાવા લાગે છે. વિટામિન ‘C’ની યોગ્ય માત્રા ચહેરા પર કરચલીઓ પડતાં રોકે છે.
વાળ: વાળને શુષ્ક થતાં બચાવવા માટે શરીરમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન સી હોવું ખુબજ જરૂરી છે. શરીરમાં વિટામિન સીની ઊણપથી માથાની ચામડી પર પોપડી જામી જાય છે. જેના કારણે વાળનું મૂળ ધીરે ધીરે નબળું પડી જાય છે અને થોડા દિવસોમાં વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. પરંતુ વિટામિન સીની મદદથી માથામાં રક્ત પરિભ્રમણ વધે છે અને વાળ લાંબા અને સુંદર બને છે.
ઝેરી તત્ત્વો દૂર કરે: વિટામિન સી એન્ટિ-ઓક્સિડન્ટ છે. શરીરમાં લોહીમાં ફરતાં ઝેરી તત્ત્વો એટલે કે ટોક્સિન્સ શરીરમાં કોઈને કોઈ અવયવોને નુક્સાન પહોંચાડે છે, તેને શરીરની બહાર કાઢવાની કામગીરી વિટામિન સી કરે છે. ત્વચાને સૂરજનાં તેજ કિરણો અને પ્રદૂષણથી બચાવવા માટે એ જરૂરી છે કે તમે વિટામિન સી ધરાવતાં શાકભાજી અને ફળોનો ગરમીના દિવસોમાં વધુ ઉપયોગ કરો.
હાયપરપીગ્મેન્ટેશનમાં રાહત: હાઈપરપીગ્મેન્ટેશનથી પીડિત વ્યક્તિના ચહેરા પર કાળા ડાઘ પડવા લાગે છે. આ સાથે ત્વચાનો રંગ કેટલીક જગ્યાએ કાળો થવા લાગે છે. કેટલાકના ચહેરા પર નાના નિશાન હોય છે તો કેટલાકના ચહેરા પર મોટા નિશાન હોય છે. જો તમે પણ હાયપરપીગ્મેન્ટેશનની સમસ્યાથી પરેશાન છો, તો આહારમાં વિટામિન સીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.
કોલેજન બૂસ્ટ કરે: કોલેજન એ એક પ્રકારનું પ્રોટીન છે જે શરીરમાં જોવા મળે છે. તે હાડકાં, ચામડી અને સ્નાયુઓનું મુખ્ય ઘટક છે. તેનું મુખ્ય કાર્ય ત્વચાને શક્તિ પ્રદાન કરવાનું છે. આ માટે કોલેજનનું બુસ્ટ હોવું ખૂબ જ જરૂરી છે.
શરીરમાં કોલેજનનો અભાવ ચહેરા પર કરચલીઓ તરફ દોરી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે, તમારા આહારમાં વિટામિન સી ધરાવતી વસ્તુઓનો ચોક્કસપણે સમાવેશ કરો.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે: રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ડૉક્ટરો આહારમાં વિટામિન-સી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. બદલાતી ઋતુમાં સ્વસ્થ રહેવા માટે વિટામીન-સી યુક્ત ખોરાક ચોક્કસ ખાઓ.