સારી રીતે શરીરને ચલાવવું હોય તો શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર ખોરાકનું સેવન કરવું જરૂરી છે કારણકે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ જેવા ખોરાકમાંથી મેળવેલા પોષક તત્વો શરીરને પોષણ આપે છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
પરંતુ શરીરને કેટલી માત્રામાં કયા પોષક તત્વોની જરૂર છે, અને શા માટે જરૂરી છે અથવા કોઈપણ પોષક તત્વો મેળવવા માટે કયા પ્રકારના ખોરાકની પસંદગી કરવી જોઈએ તે જાણવું જરૂરી છે. આજના સમયમાં , નિષ્ણાતો પણ પોષણની જરૂરિયાતને પહોંચી વળવા દવાઓને બદલે કુદરતી ખોરાકનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપે છે.
રોજિંદા આહારમાં આ બધા ખોરાકની થોડી માત્રામાં સમાવેશ કરીને, તમે તેના પોષક તત્વોનો લાભ પણ મેળવી શકો છો. આથી આજની આ માહિતીમાં આપણે વિવિધ પોષક તત્વો અને તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે વાત જણાવીશું. તો ચાલો જાણીએ સારા સ્વાસ્થ્ય માટેના મહત્વપૂર્ણ પોષક તત્વો વિષે.
વિટામિન એ: તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક પોષક તત્વ છે. તે શરીરની નબળાઈને દૂર કરે છે અને આંખો, ત્વચા અને એકંદરે વિકાસમાં મદદ કરે છે. શરીરના કોષોના વિભાજન તથા નવનિર્માણમાં વિટામિન એ અગત્યનું છે. વિટામિન એ દૃષ્ટિની જોવાની ક્ષમતા, સતર્કતા જળવાઈ રહે છે. હાડકાંના બંધારણ, શરીરની રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને જનતતંત્રને સક્રિય રાખે છે.
ફળોમાં પાકી કેરી, નારંગી, પપૈયું, સક્કર ટેટી, તડબૂચ, દ્રાક્ષ વગેરે ફળોમાંથી વિટામીન ‘A’ પ્રાપ્ત થાય છે. અનાજની વાત કરીએ તો તમને ચણા, મસૂર, બાજરી, સોયાબીન (સફેદ) વગેરેમાં પ્રચુર માત્રામાં વિટામીન ‘A’ મળી રહે છે. આ સાથે ઘઉં, મગ, મકાઈ, તાજા વટાણા વગેરેમાં પણ વિટામિન એ હોય છે.
વિટામિન બી: વિટામિન બી વિવિધ પોષક તત્વોનું એક જૂથ છે, જેમાં વિટામિન B12, વિટામિન B6 જેવા પોષક તત્વો હોય છે. આ બધા વિટામીન ઉર્જા ઉત્પાદનમાં મદદ કરે છે, આયર્નનું શોષણ કરે છે અને રોગપ્રતિકારક કાર્યમાં મદદ કરે છે. વિટામિન બી ની ઉણપથી ઝડપી વજન ઉતરવું.
માંસપેશીઓ નબળી પડી જવી. ત્વચાનો રંગ પીળો થવા લાગવો, એનીમિયાનો શિકાર થવું અને ચેતા પર અસરને કારણે, ભ્રમની સ્થિતિ ઉભી થવી. વિટામિન બી માટે દહીં, ઓટ્સ, દૂધ, સોયાબીન, પનીર, બ્રોકલી વગેરે લઇ શકો છો.
વિટામિન સી: રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી અને મહત્વપૂર્ણ ગણાતું વિટામિન સી પોષક તત્વ ત્વચાની સ્થિતિસ્થાપકતામાં વધારો કરે છે, જેનાથી શુષ્ક ત્વચા અને કરચલીઓની સમસ્યા ઓછી થાય છે. વિટામિન સી રક્તવાહિનીઓને મજબૂત કરવા માટે શરીરને સ્વસ્થ અને અંદરથી મજબૂત બનાવે છે.
વિટામિન સીની ઉણપ ના કારણે દાંતનાં પેઢાંમાંથી લોહી નીકળવાની તકલીફ, શરીર પર ક્યાંક વાગે તો કાળાં ઝીમા પડી જવા, રોગપ્રતિકારક શકિત નબળી પડવી, કોઈપણ જગ્યાએ પડેલો ઘા ઝડપથી રૂઝ ન આવવી, વાળ સૂકા અને બરછટ થઈ જવા, વારંવાર નસકોરી ફૂટવી, સાંધામાં સોજો આવી જવો, સાંધામાં દુ:ખાવો થવો વગેરે લક્ષણો હોઈ શકે છે.
વિટામિન સી શાકભાજી જેવા કે ગાજર, કોબિઝ, ફલાવર, ટામેટાં, બટાકા. લીબું, પાલક, કેપ્સિકમ, લાલ મરચાંમાં વિટામિન ‘સી’ સારી માત્રામાં હોય છે. જો ફળોની વાત કરીએ તો તમે જામફળ, પપૈયું, કિવી, નાંરગી, મોસંબી, દ્રાક્ષ, પાઈનેપલ, સ્ટ્રોબરી, રાસબરી, પ્લમ, આમળાં, દાડમ વગેરેનું સેવન કરીને સારી માત્રામાં વિટામિન સી મેળવી શકો છો.
વિટામિન ડી: શરીર માટે વિટામિન ડીની પૂરતી માત્રા હોવી ખુબજ જરૂરી છે કારણ કે તે હાડકાં અને સ્નાયુઓને શક્તિ આપે છે. આ ઉપરાંત વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય છે, ત્યારે તે માત્ર રોગપ્રતિકારક શક્તિ અને હાડકાંને જ અસર કરતું નથી.
પરંતુ તે માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે જે તણાવ અને ડિપ્રેશન જેવા માનસિક રોગો તરફ દોરી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં શરીરમાં વિટામીન ડી બને છે. આથી નાના બાળકોના હાડકાનું બંધારણ મજબુત બનાવવા માટે તેને સૂર્યપ્રકાશમાં સવારના 7 થી 9 અથવા સાંજના 4 થી 6 ના તડકામાં તેલનું માલિશ કરીને રાખવા જોઈએ.